
રીપોર્ટ : બિમલ માંકડ l પ્રતિક જોશી
ભુજ : જિલ્લાના ડિઝાસ્ટર શાખાના મામલતદારને છેલ્લા ૩૨૦ દિવસથી કલેક્ટરના ચીટનીશનો વધારાનો ચાર્જ સોંપાયો છે. સામાન્યતઃ ડિઝાસ્ટર શાખાના મામલતદારની જવાબદાર અત્યંત મહત્વપૂર્ણ હોઈ અન્ય કોઈ શાખાનો ચાર્જ આપવામાં આવતો નથી.
સરહદી વિસ્તારમાં યુધ્ધ, હીટવેવ, કોરોના અને આગામી સમયમાં ભારે વરસાદના વર્તારાની વચ્ચે ડિઝાસ્ટર મામલતદારની ભૂમિકા મહત્વની રહે છે. તેમ છતાં ચીટનીશ તરીકેનો વધારાનો હવાલો સોંપી તંત્ર આપાતકાલની સ્થિતિમાં કચ્છની પ્રજા સામે સંવેદનહીન બની રહ્યું હોય તેવું જણાય છે.
ચીટનીશ તરીકે મોટાભાગે કોર્ટ – કાચેરી અને પ્રોટોકોલમાં વ્યસ્ત રહેતા હોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા રામ ભરોસે
ડિઝાસ્ટર શાખાના મામલતદાર ચંદ્રકાંત નીમાવતને એકાદ વર્ષથી ચીટનીશનો વધારાનો હવાલો સોંપી દેવાયો છે. આમ નીમાવત મોટા ભાગે કોર્ટ–કાચેરી અને પ્રોટોકોલમાં રોકાયેલા રહેતા હોય છે અને અતિ સંવેદનશીલ ડિઝાસ્ટર શાખા નાંધણીયાતી બની છે.
કોરોનાનો કહેર વકરે તે પહેલા મામલતદારને વધારાના ચાર્જમાંથી મુક્તિ જરૂરી
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોનાએ ફરીએકવાર પગપેસારો કર્યો છે અને કચ્છમાં પણ એકલ દુકાલ કોવિડ પોઝીટીવના કેસો નોંધાયા છે. આવનારા સમયની ગંભીરતા સમજી તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારને વધારાના હવાલામાંથી છૂટા કરવા જોઈએ તેવું જાણકારોનું માનવું છે.



