BHUJKUTCH

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી.

સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ આપતા માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ ફેબ્રુઆરી : કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમ પરિસરમાં, ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ.શ્રી અનુપમ આનંદે રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પતિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. આ તકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ ૨૦૦૧માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્મરણોના વીડિયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નિહાળ્યા હતા.આ તકે રાષ્ટ્રપતિશ્રીએ “આશાનું ગીત” રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિશ્રીની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, નાયબ કલેક્ટરશ્રી અનિલ જાદવ અને ભગીરથસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે. ક્રિશ્ચિયન સહિતના અધિકારીશ્રીઓ સાથે જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!