રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
જોખમી સગર્ભા માતાઓ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : જિલ્લા હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવાથી મળશે 15000 રૂપિયા
મુંદરા, તા. 24 : ગુજરાત સરકારે રાજ્યમાં માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવાના ઉદ્દેશ્યથી એક નવો સુધારા ઠરાવ બહાર પાડ્યો છે. આ સુધારા ઠરાવ મુજબ, હવેથી અતિ જોખમી અને જોખમી ગર્ભાવસ્થા ધરાવતી માતાઓને જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા અને 7 દિવસના રોકાણ માટે રૂ. 15,000ની પ્રોત્સાહક રકમ એકસાથે ચૂકવવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ જોખમી ગર્ભાવસ્થા ધરાવતી માતાઓને યોગ્ય તબીબી દેખરેખ હેઠળ સુરક્ષિત પ્રસુતિ સુનિશ્ચિત કરવાનો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કોઈપણ પ્રદેશના આરોગ્યની સ્થિતિ જાણવા માટે અમુક મુખ્ય સૂચકઆંકો ( હેલ્થ ઇન્ડિકેટર) ગણતરીમાં લેવામાં આવે છે. આ સૂચકઆંકોમાં માતૃ મૃત્યુ દર (MMR), બાળ મૃત્યુ દર (IMR), અને નવજાત શિશુ મૃત્યુ દર (NMR) મુખ્ય છે. આ યોજના આવા જોખમી કેસને સચોટ અને સમયસર સારવાર પૂરી પાડીને આ સૂચકઆંકો સુધારવામાં મદદ કરશે, જેનાથી ગુજરાતના આરોગ્ય સૂચકઆંકમાં સુધારો થશે.
યોજનાના મુખ્ય મુદ્દાઓ:
* પ્રોત્સાહક રકમ: પહેલા રૂ. 5,000 અને પછી રૂ. 10,000 એમ બે તબક્કામાં સહાય મળતી હતી. હવે, પ્રસુતિ બાદ 7 દિવસના રોકાણ પછી, અથવા હોસ્પિટલમાંથી રજા મળે ત્યારે, એક જ અઠવાડિયામાં પૂરા રૂ. 15,000 સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
* કોને મળશે લાભ?: આ યોજનામાં પહેલા 12 લક્ષણો ધરાવતી માતાને લાભ મળતો જે હવેથી કુલ 19 પ્રકારના જોખમી અને અતિ જોખમી લક્ષણો ધરાવતી સગર્ભા માતાઓને આવરી લેવામાં આવી છે. આ 19 લક્ષણો પરિશિષ્ટ “એ” મુજબ નીચે પ્રમાણે છે:
1. બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબીન 6.5 ગ્રામ કે તેથી ઓછું હોય.
2. લોહીનું દબાણ 180/110 mm of Hg કે તેથી વધુ હોય, સાથે પગમાં સોજા અથવા પેશાબમાં પ્રોટીન.
3. સગર્ભા તપાસમાં Body Mass Index 17 કરતા ઓછો હોય.
4. છ માસની સગર્ભાવસ્થા પછી 42 કિલોથી ઓછું વજન.
5. ડિલીવરી સમયે ગર્ભની નીચે જ ગર્ભની પોષક નાળ (Placenta Previa) હોય.
6. સિકલ સેલ રોગ, થેલેસેમિયા અથવા હિમોફિલિયા.
7. ટી.બી.ના ગંભીર કેસ જેમાં પ્રથમ સારવાર અસરકારક ન હોય (chronic tuberculosis with multi drug resistance).
8. ગર્ભમાં ત્રણ કે તેથી વધુ બાળકો હોય.
9. અગાઉ બે સિઝેરિયન પ્રસુતિ કરાવેલી હોય.
10. કિડનીનો ક્રોનિક રોગ (Chronic Kidney Disease – CKD Grade 2 કે તેથી વધુ).
11. હૃદયના વાલ્વનું બદલાવ અથવા સમારકામનો (Heart valve replacement or repair) પાછલો ઇતિહાસ.
12. Severe mitral valve stenosis કે mitral regurgitation with pulmonary hypertension.
13. બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબીન 6.5 થી 7 ગ્રામ %.
14. સગર્ભાવસ્થા દરમિયાન મધુપ્રમેહ (ડાયાબિટીસ).
15. અગાઉ ત્રણ વખત ગર્ભ ધારણ કરેલો હોય અને આ ચોથી ડિલીવરી હોય.
16. દૂષિતતા અથવા અવરોધિત પ્રસુતિનો પાછલો ઇતિહાસ.
17. 45 વર્ષથી વધુ ઉંમર.
18. એઇડ્સ (AIDS).
19. સિસ્ટમીક લુપસ એરીથમેટોસસ (SLE).
જો ઉપર મુજબના કોઈ પણ લક્ષણો જોવા મળે, તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં પ્રસુતિ કરાવો. આનાથી માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત થશે.
આશા બહેનોની મહત્વપૂર્ણ માંગણી :
રાજ્ય સરકારના આ પ્રયાસોમાં, આશા બહેનો પાયાના કર્મચારીઓ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ જોખમી સગર્ભા માતાઓને ઓળખીને, તેમને સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડીને અને 7 દિવસ સુધી તેમની કાળજી પૂરી પાડે છે. જોખમી માતાઓની સાથે એકલા જવા માટે આશા બહેનોએ પોતાના ઘર-પરિવાર અને રોજગાર છોડીને જવું પડે છે.
આશા બહેનોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે આ માટે તેમને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળતું નથી. તેમની માંગણી છે કે જોખમી માતાની સાથે જવા બદલ, તેમને પણ લાભાર્થીની જેમ જ રૂપિયા 5,000નું પ્રોત્સાહન મળવું જોઈએ. તેમની આ માંગણી વ્યાજબી છે, કારણ કે આશા બહેનોના સહકાર વિના આ યોજનાની સફળતા શક્ય નથી. આશા બહેનોની માંગણી પર સરકાર વિચારણા કરે અને તેમને યોગ્ય સહાય પૂરી પાડે તે આવશ્યક છે. આનાથી તેમનું મનોબળ વધશે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક કામ કરી શકશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com