
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી ,તા-૩૧ ઓગસ્ટ : ચોમાસામાં વરસાદ બાદ મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે. કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લેતા વહીવટીતંત્રે એક્ટીવ મોડમાં કામગીરી હાથ ધરી છે. શહેર તથા ગ્રામ્યકક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ, સાફ- સફાઇ, પાણી નિકાલ, પાણીના ટાંકાનું કલોરીનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે.જિલ્લા આરોગ્ય તંત્ર, પાણી પુરવઠા, નગર પાલિકા તથા પંચાયતકક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ટીમો દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી ક્લોરીનયુક્ત મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત આરોગ્યની ટીમ દ્વારા ગામના પીવાના પાણીના ટાંકામા ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. હજીપણ વરસાદી પાણી જે વિસ્તારોમાં ભરાયેલા છે તેનો નિકાલ કરવાની કામગીરી સતત ચાલી રહી છે. આ સાથે રોડ-રસ્તા તથા જાહેર વિસ્તાર માંથી ગંદકીને દૂર કરી દવા છંટકાવ કરવા તત્કાલ અસરથી સાફ-સફાઇ ઝુંબેશ આરંભવામાં આવી છે.





