રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુન્દ્રાની રતાડીયા હાઈસ્કૂલમાં કિશોર-કિશોરીઓને માર્ગદર્શન અપાયું.
મુંદરા, તા. 27 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘સેવા પખવાડિયા’ અંતર્ગત મુંદરાની રતાડીયા હાઈસ્કૂલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોર અને કિશોરીઓમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી ચંદુભાઈ ગોહિલે આવકાર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે પ્રસંગ પરિચય આપી મહેમાનોનું સ્વાગત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ વિદ્યાર્થીઓને જીવનના આ તબક્કા દરમિયાન આવતા શારીરિક અને માનસિક પરિવર્તનો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પોષણયુક્ત આહારનું મહત્ત્વ, નશામુક્તિ માટેની સમજ, અંગત સ્વચ્છતા અને એકંદરે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતે એક પ્રશ્નોત્તરી સત્ર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્રમાં વ્યસનમુક્તિ, યોગ્ય પોષણ અને ખાવા-પીવાની ટેવો સુધારવા જેવા વિષયો પર મુક્ત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ હિન્દી, ગુજરાતી અને કચ્છી ભાષામાં પોતાના પ્રતિભાવો આપીને કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આરોગ્ય કાર્યકર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાઉન્સેલર દ્વારા આપવામાં આવેલો “સ્વસ્થ નારી એટલે સશક્ત પરિવાર અને સશક્ત પરિવાર એટલે મજબૂત રાષ્ટ્ર” નો પ્રેરણાદાયી સંદેશ વિદ્યાર્થીઓના મનમાં કાયમી છાપ છોડી ગયો. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યના નાગરિકોને સ્વસ્થ અને જાગૃત બનાવવા માટે અત્યંત જરૂરી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com