BHARUCHBHARUCH CITY / TALUKO
IPL મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:પાલેજમાં પોલીસની કાર્યવાહી, રોકડ અને મોબાઈલ સહિત 14 હજારનો મુદ્દામાલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના પાલેજમાં પોલીસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પાલેજના પીઆઈ કે. એમ.વ્યાસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલેજના એસ.કે.નગર-2માં રહેતો સેહજાદ સબીર પટેલ પોતાના ઘર સામે ખુલ્લી જગ્યામાં મોબાઈલ ફોન પર IPL મેચનો સટ્ટો રમાડતો હતો. પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈને મળેલી બાતમીના આધારે પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
પોલીસે આરોપી પાસેથી રૂ.11,250ની રોકડ રકમ અને રૂ.3,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. મોબાઈલની તપાસમાં IPL મેચના સટ્ટા અંગેની માહિતી અને સ્ક્રીનશોટ્સ મળી આવ્યા છે. પોલીસે કુલ રૂ.14,250નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.




