
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
૦૪ જૂલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી લખપત અને રાપર તાલુકામાં નક્કી કરાયેલા ઈન્ડીકેટર્સ સાથે આયોજનબદ્ધ રીતે વિકાસની યોજનાઓ લાગુ કરાશે્
લખપત,તા-૦૪ જુલાઈ : નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ કચ્છના દયાપર ખાતેથી પદાધિકારીશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિની ગરીમામય ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો હતો. તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દેશભરમાં ૦૬ ઈન્ડીકેટર્સ સાથે તાલુકાના સર્વાંગી વિકાસ માટે રણનીતિ બનાવવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે. જેથી ૦૪ જૂલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી લખપત અને રાપર તાલુકામાં ૦૬ ઈન્ડીકેટર્સ સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે.‘સંપૂર્ણતા અભિયાન’ને ભારત સરકારનું એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવતા નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ જણાવ્યું કે, હું કચ્છના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી ટીમની મેમ્બર્સ તરીકે અહીં આવી છું. આગામી ત્રણ મહિનામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. એસ્પિરેશનલ બ્લોક એવા લખપત અને રાપર તાલુકાનો દેશના અન્ય તાલુકાઓ સમકક્ષ વિકાસ થાય અને કચ્છ દેશ માટે પ્રેરણોસ્ત્રોત બનીને ઊભરી આવે તેમ સુશ્રી અંશિકા ગુપ્તાએ ઉમેર્યું હતું. સુશ્રી ગુપ્તાએ નાગરિકોને સરકારી યોજનાઓ મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ પ્રાંસગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ તાલુકાઓનો સર્વાંગી અને સમાન રીતે વિકાસ થાય તે માટે કાર્યરત છે. કચ્છ જિલ્લામાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે ‘સંપૂર્ણતા અભિયાન’ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એવો વિશ્વાસ શ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વ્યક્ત કર્યો હતો. ‘સંપૂર્ણતા અભિયાન’ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન લખપત અને રાપર તાલુકાના વિવિધ લાભાર્થીઓને મંચ ઉપરથી જ વિવિધ લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. લખપત અને રાપર તાલુકામાં આવેલા સ્વયં સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડનું વિતરણ, આરોગ્ય વિભાગની યોજનાઓ અંતર્ગત આભાકાર્ડ અને આયુષ્માનકાર્ડનું વિતરણ, પોષણ અભિયાન અંતર્ગત મહિલાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ કીટનું વિતરણ અને ખેતીવાડી શાખા દ્વારા સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના કુલ ૧૭ લાભાર્થીઓ અને રાપર તાલુકાના કુલ ૦૩ લાભાર્થીઓને પ્રતિકરૂપે સહાય આજના કાર્યક્રમમાં આપવામાં આવી હતી.‘સંપૂર્ણતા અભિયાન’ના કાર્યક્રમ બાદ મહાનુભાવોએ આરોગ્ય, ખેતીવાડી, આઈસીડીએસ પોષણ અને સખીમંડળો દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રચાર પ્રસાર માટે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને મહાનુભાવોએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમ બાદ નીતિ આયોગના નાયબ નિયામકશ્રી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને ઉપલબ્ધ સારવારની સમીક્ષા કરી હતી. દયાપર નજીક કોરા ગામ પાસે આવેલી આંગણવાડીની મુલાકાત લઈને બાળકોને આપવામાં આવતા પોષણની સહિતની માળખાકીય સુવિધાઓની સમીક્ષા મહાનુભાવોએ કરી હતી. તાલુકા પંચાયત દયાપર ખાતે નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ બેઠક યોજીને વિવિધ વિભાગોને ‘સંપૂર્ણતા અભિયાન’ અંતર્ગત આપવામાં આવેલા ઈન્ડિકેટર્સને ઝડપથી હાંસલ કરવા સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કચ્છના એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપરમાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘સંપૂર્ણતા અભિયાન’માં ૦૬ ઈન્ડિકેટર્સને આવરી લેવામાં આવ્યા છે. જેમાં પ્રસૃતિ પૂર્વેની સર્ગભા મહિલાઓની સારસંભાળ, ડાયાબિટીસની તપાસણી, હાયપરટેન્શનની તપાસ, આઈડીએસ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને યોગ્ય પૂરક પોષણની ઉપલબ્ધતા, જમીનની ગુણવત્તા વધારવા માટે સોઈલ હેલ્થ કાર્ડનું નિર્માણ અને રિવોલ્વિંગ ફંડના માધ્યમથી સ્વયં સહાય જૂથોને આર્થિક મદદનો સમાવેશ થાય છે. આ તમામ ૦૬ ઈન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને તેને સંબંધિત યોજનાઓનું ૧૦૦ ટકા અમલીકરણ કરવામાં આવશે. ૦૩ મહિનાના એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને મોનિટરિંગના માધ્યમથી ‘સંપૂર્ણતા અભિયાન’ના સુચારું અમલીકરણ માટેની વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે. એસ્પિરેશનલ તાલુકાઓનો અસરકારક અને ઝડપથી વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના એક સંયુક્તપણે જવાબદારી નિભાવી રહી છે. તાલુકાઓમાં આયોજન, અમલીકરણ, ક્ષમતાઓનું નિર્માણ અને જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ થાય એવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મામદ જુંગ જત, દયાપર ગામના સરપંચશ્રી હસમુખભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી, અગ્રણી સર્વેશ્રી જણસારીભાઈ, શ્રી જશુભા જાડેજા, શ્રી પ્રફૂલભાઈ, શ્રી દેવુભા જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રવિન્દ્ર ફૂલમાલી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી હરેશ ઠક્કર, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરથી દશરથ પંડ્યા, લખપત મામલતદારશ્રી એસ.એ. ડોડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.એન.ચૌધરી સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.















