રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
શંખેશ્વર મહાતીર્થ : જહાજ મંદિરે શરદ પૂર્ણિમાના પવિત્ર દિને ભવ્ય ‘શ્રી નવગ્રહ મહાપૂજન-હવન’ અનુષ્ઠાન સંપન્ન
સાચા ભાવથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી: જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ
શંખેશ્વર, તા. 10 : વઢીયાર પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ શંખેશ્વર મહાતીર્થ ખાતેના જહાજ મંદિર એન્કારવાલા ધામમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે એક વિશિષ્ટ અને ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના પવિત્ર સાનિધ્યમાં સૌપ્રથમવાર શ્રી નવગ્રહ મહાપૂજન-હવન (૧૦૮ આહુતિયુક્ત અનુષ્ઠાન) સંપન્ન થયું.
આ પૂજન-હવનનો લાભ એક ગુરુભક્ત પરિવારે લીધો હતો. નવગ્રહ પૂજનમાં એક-એક ગ્રહની વિધિવત અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી, જેમાં જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, અને ફળ સહિતના દ્રવ્યો અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, નવગ્રહ હવનમાં ૧૦૮ મંત્રો દ્વારા ગોળી, ઘી, ચંદનના લાકડા, તજ, લવિંગ, ઇલાયચી, કપૂર ચૂર્ણ, અબીલ, ગુલાલ, કંકુ, હળદળ, અષ્ટગંધ ચૂર્ણ, સિંદૂર, કાળા-ધોળા તલ, કાળું ચંદન આદિ મિશ્રિત દ્રવ્યોની આહુતિઓ આપવામાં આવી હતી. આહુતિ બાદ મોટી શાંતિનો પાઠ કરીને નારિયેળનો ગોળો હોમવામાં આવ્યો હતો અને અંતે આરતી કરવામાં આવી હતી.
ગ્રહજન્ય અનિષ્ટોની શાંતિ માટે જૈન પરંપરાનો માર્ગ
આ શુભ પ્રસંગે જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, જૈન પરંપરાના પ્રભાવિત આચાર્યોએ વિશ્વ કલ્યાણ માટે મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તેમણે પારલોકિક સાધનો જેવા કે દેવ પૂજા, ગુરુ ઉપાસના, તપ, સંયમ, સ્વાધ્યાય અને દાનના વિજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મનુષ્યના જન્મકાલીન ગોચર અને અનિષ્ટ ગ્રહોની શાંતિ માટેના ઉપાયો પણ બતાવ્યા છે.
મુનિશ્રીએ વધુમાં કહ્યું કે, ગ્રહજન્ય દોષની શાંતિ માટે તે ગ્રહોના અધિષ્ઠાતા તીર્થંકરોની વિધિપૂર્વક પૂજનનું વિધાન કરવું શ્રેષ્ઠ છે, જેનાથી ગ્રહજન્ય અનિષ્ટોની શાંતિ થાય અને સુખ-સંપત્તિનો લાભ મળી શકે. આ કાર્યમાં નવકાર મહામંત્ર સર્વશ્રેષ્ઠ છે. જૈન પરંપરાના લબ્ધ પ્રતિષ્ઠિત ચતુર્દશ પૂર્વધાર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ ગ્રહશાંતિ સ્તોત્રની રચના કરી માનવ જગત પર મોટો ઉપકાર કર્યો છે. તેમણે સર્વ ગ્રહસ્થોને આ પદ્ધતિ અનુસરવા અને અહીં તેમજ પારલોકિક લાભ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પવિત્ર અવસરે પૂજ્ય સાધ્વીજી અમીવર્ષાશ્રીજી મ.સા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં શ્રી વસંતભાઈ નાઈ (પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી), શ્રીમતી ભાનુમતીબેન મકવાણા (પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી), શ્રી મેહુલભાઈ શાહ (અમદાવાદ વાસણા કોર્પોરેટરશ્રી), શ્રી કુલદીપભાઈ સંઘવી (ખાદ્ય અને વિતરણ મંત્રાલય, ભારત સરકાર), અને શ્રીમતી અરુણાબેન પટેલ (પી.આઈ., પોલીસ શંખેશ્વર) તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી પાર્શ્વચંદ્રસૂરિ દાદાવાડી ટ્રસ્ટ તરફથી મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દરેક મહેમાનોને આવકાર આપી તેમની અનુમોદના કરવામાં આવી હતી.
મુંબઈ, અમદાવાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહીને આ ભવ્ય પૂજન-હવનનો ધર્મલાભ લીધો હતો.
(સમાચાર મોકલનાર: જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ, શંખેશ્વર જૈન તીર્થ)
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com