
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૨ ઓક્ટોબર : ૨૧ ઓક્ટોબર, ૧૯૫૯ ના રોજ જ્યારે ચીની દળોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ) ની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો અને ભારત-તિબેટી સીમા પર દેશ માટે લડત ચાલુ રાખતાં 10 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્યની સલામતી માટે લડતા અને કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલીકરણને સુનિશ્ચિત કરે તેવા પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપવા દર વર્ષે દેશના તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનો અને તમામ રાજ્યોની સિવિલ પોલીસ દ્વારા “પોલીસ સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. પોતાના ઘર, પરિવાર, સુખદ-દુઃખદ પ્રસંગો, વગેરેની પરવા કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ તેમજ સુશાસન માટે સદા કાર્યરત પોલીસની કામગીરી ખરેખર પ્રશંશનીય છે. પોલીસ જવાનોની આવી કર્તવ્યનિષ્ઠ કામગીરીને બિરદાવવા આજરોજ સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબ, SPC ના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ નિરોણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ હતી. શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા નિરોણા પોલીસ સ્ટેશનના યુવા, સક્રિય તેમજ કર્મવીર પી.એસ.આઇ. શ્રી એચ.સી. પરમાર સાહેબને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી “પોલીસ પ્રજાનો મિત્ર”, ઉક્તિને સાર્થક કરતી કામગીરી બદલ તેમને સન્માનિત કરેલ હતા. જ્યારે SPC ના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ પી.એસ.આઇ. શ્રી ને પુસ્તક આપી પોલીસની સમાજ પ્રત્યેની હકારાત્મક કામગીરીને બિરદાવેલ હતી. શાળાના શિક્ષક કિશનભાઇ પટેલ તેમજ તખતસિંહ સોઢાએ પણ તેઓનુ પુષ્પગુચ્છ વડે સન્માન કરેલ હતુ. આ તકે શાળાની શિક્ષિકા બહેનો અલ્પાબેન ગોસ્વામી અને ભૂમિબેન વોરાએ પોલીસ વિભાગના SPC ડી.આઇ. કિંજલબેન ચૌધરીનુ વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે એક સૌહાર્દપૂર્ણ સેતુ રચવા બદલ પુષ્પગુચ્છ વડે સન્માન કરેલ હતુ. નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એચ.સી.પરમારે એક સદ સમાજના નિર્માણ માટે પોલીસ તેમજ શિક્ષકોની ભૂમિકાને ખૂબ જ મહત્ત્વની ગણાવેલ હતી. આચાર્ય શ્રી ડૉ ચૌધરી સાહેબે પણ આ પ્રતિકાત્મક સન્માન દ્વારા સમગ્ર દેશની પોલીસ પ્રત્યેની શાળા પરિવાર વતીથી સદ ભાવનાઓ અને સન્માનની લાગણીઓ વ્યક્ત કરેલ હતી.






