ABADASAKUTCH

અબડાસાના વરાડીયાના ઓસમાણભાઇ બકાલી પ્રાકૃતિક રીતે મિલેટ પૈકી જુવાર, બાજરીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે.

છેલ્લા ૧૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ઓસમાનભાઇએ ધાન્યપાક ઉપરાંત એરંડા, કપાસ જેવા રોકડીયા પાક લઇને જમીનનું બંધારણ સુધાર્યું છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા ,તા-૨૮ જૂન : કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરવામાં અબડાસા તાલુકાના ખેડૂતો પણ અગ્રેસર છે. વરાડિયાના ઓસમાણ અલીમામદ બકાલી છેલ્લા ૧૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને અન્ય કિસાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. વડાપ્રધાનશ્રી દ્વારા મિલેટને વિશ્વભરમાં પ્રમોટ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઓસમાનભાઇ પ્રાકૃતિક રીતે મિલેટ પૈકી જુવાર,બાજરીનું નોંધપાત્ર ઉત્પાદન મેળવી રહ્યા છે. ઓસમાનભાઇ જણાવે છે કે, ૪ એકરમાં તેઓ બાજરીનું ઉત્પાદન કરી રહ્યા છે. અત્યારસુધી આત્મા હેઠળ પ્રાકૃતિક ખેતીની વિવિધ તાલીમમાં ભાગ લઇને આ કૃષિ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી છે. જેના થકી તેઓ આજે સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે, પ્રાકૃતિક ખેતીમાં હાલ તેઓ ધાન્ય પાકમાં બાજરી, જુવાર ઉપરાંત્ રોકડીયા પાકમાં એરંડા, કપાસ જેવા પાક લઇ રહ્યા છે. જયારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી જમીન તથા પાણીની ગુણવત્તા સુધરી છે. પાકને વધુ પિયતની જરૂર પડતી નથી. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. જયારે રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો જ બોજ સમાન હોય છે. નિંદણના કારણે મજૂરી ખર્ચ વધુ થાય છે તથા જમીનનું બંધારણ બગડે છે, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે .આમ, ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો તમામ રીતે ફાયદારૂપ છે.આવકમાં વધારા સાથે ઝેરમુકત ઉત્પાદનથી સામાન્યજનની સુખાકારી તથા પર્યાવરણ બચાવમાં ખેડૂત પોતાનો સહયોગ આપી શકે છે.

Back to top button
error: Content is protected !!