
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ એમ કુલ ત્રણ અભિયાનનું કચ્છમાં થઈ રહ્યું છે આયોજન.
ભુજ,તા-૧૭ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સેવા સેતુ અભિયાનની અગત્યતા વિશે જણાવતા ઉમેર્યું હતું કે, સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ઘરઆંગણે સરકારશ્રીની મહત્વની ૫૫ જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. કચ્છ જિલ્લામાં સેવા સેતુને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ૧૦ તાલુકામાં ત્રણ-ત્રણ એમ કુલ ૩૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં દરેક નગરપાલિકા દીઠ બે-બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ સાથે કચ્છ જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારશ્રી દ્વારા ૦૨, ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહ્વાન કરવામાં આવેલું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયા યોજવામાં આવશે. જે અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં ‘ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ‘ અભિયાનને તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લામાં એક પેડ મા કે નામ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.



