AHAVADANG

Dang: પ્રકૃતિ દર્શન સાથે પરમાર્થ કાર્ય કરતા ‘જાયન્ટસ ગ્રુપ ઓફ નર્મદ નગરી’ ના કાર્યકરો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ચોમાસુ શરૂ થતાં જ, પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ ભણી દોટ મુકતા હોય છે. ત્યારે કેટલાક પર્યટકો તેમના ડાંગના આ પ્રવાસને યાદગાર બનાવવા પ્રકૃતિ દર્શનની સાથોસાથ પરમાર્થ કાર્ય પણ હાથ ધરતા હોય છે.

ગત રવિવારે આવા જ એક પ્રવાસે આવેલા સુરતના ‘Giants group of Narmad Nagari’ સંસ્થાના હોદ્દેદારોએ, ડાંગના જરૂરતમંદ પરિવારો માટે ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે અનાજ, કઠોળ, તેલ, ખાંડ, મસાલા સાથેની ૬૦ જેટલી કીટ તથા કપડા, પગરખા વિગેરેનું વિતરણ કર્યું હતું.

આ વિતરણ કાર્ય માટે સંસ્થાના કાર્યકરોએ પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક શ્રી પી.પી.સ્વામિજીના માર્ગદર્શન હેઠળ, લીંગા સંસ્થાના સંચાલન કર્તા શ્રી ભગતજીના સહયોગ થકી, લીંગા સહિત જવતાળા, ગારમાળ, કોસબિયા, અંજનકુંડ જેવા ગામોના લાભાર્થીઓને આ ચીજ વસ્તુઓનું, લીંગા હાઇસ્કુલના કેમ્પસમાં વિતરણ કર્યુ હતું.

દાતાઓ અને આયોજકોના સથવારે પ્રકૃતિ દર્શને પધારેલા આ સેવાભાવિ કાર્યકરોએ, પરમાર્થ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કર્યું હતું. ત્યાર બાદ સુરતથી પધારેલ આ પ્રકૃતિપ્રેમી પર્યટકો અંજનકુંડ ધોધ, રજવાડી ગામ, લીંગા અને દેવીનામાળ કેમ્પ સાઇટની મુલાકાત લઈ, આહવાનું પ્રકૃતિ દર્શન કરી સુરત પરત ફર્યા હતા.

આ પરમાર્થ કાર્યમાં સંસ્થાના સેવાભાવીઓ સર્વશ્રી પ્રકાશભાઈ, અતુલભાઈ, હેમલતાબેન, જૈમિનીબેન, હંસાબેન તથા સેજલબેન કીનારીવાલા અને તેમના સહયોગીઓ સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!