
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ ઓગસ્ટ : તા. 11-08-2024ના રોજ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો. જેમાં આ સાત જિલ્લાના 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું.આ એવોર્ડ સમારોહમાં નવાનગર કુમાર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પટેલિયાને તેમણે કરેલ નવાચારી પ્રવૃત્તિઓ *મારી શાળા,મારું વૃક્ષ* ધોરણ :૧ માં પ્રવેશ મેળવનાર બાળકો તેમજ બાળકના જન્મદિવસે વૃક્ષારોપણ કરવું જેવા ઉત્તમ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો.૫૫૫ શિક્ષકોનું એકસાથે સન્માન ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર છે.શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ. સી.જે.ચાવડા (ધારાસભ્યશ્રી, વિજાપુર), રીટાબેન પટેલ (ધારાસભ્યશ્રી ગાંધીનગર), ડૉ. સુખાજી ઠાકોર (ધારાસભ્યશ્રી,બેચરાજી), શ્રી આર.પી.પટેલ (પ્રમુખશ્રી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), શ્રી મનુભાઈ ચોકસી (પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા), શ્રી મહેશભાઈ મહેતા (સચિવશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન), શ્રી એમ.કે રાવલ (નિયામકશ્રી GSEB અને GIET ગાંધીનગર) શ્રી ધર્મેશભાઈ પટેલ (સંચાલકશ્રી, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ,ગાંધીનગર)વગેરે મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા તથા મહાનુભાવોએ ખૂબ જરૂરી જ્ઞાનવર્ધક ભાથું પીરસ્યું. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના પ્રમુખશ્રી નરેશકુમાર દવેએ પોતાના ટ્રસ્ટનાં સેવાકીય કાર્યોની વિગતો આપી. તેમની વાતોમાં સ્વભાવની સરળતાનાં તથા શિક્ષકો માટેના આદરનાં દર્શન થયાં. શિક્ષણમાં નૂતન વિચારો સાથેનું આ સજ્જતાવર્ધક સ્નેહમિલન આજીવન સંભારણું રહેશે તે ભાવ સાથે સૌ છૂટા પડ્યા.આ અગાઉ તેમને ગમતી નિશાળ અંતર્ગત નવાચારી એવોર્ડ અને ગુજરાતનો ગૌરવશાળી દીકરો એવોર્ડ મળી ચૂક્યો છે.




