વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૩ સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ધાર્મિકતાની સાથે સ્વચ્છતા, આયોજન વ્યવસ્થા, પવિત્રતા, રાષ્ટ્રીય એકતા, સામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે. ત્યારે કચ્છના ભુજ તાલુકાના મિરઝાપર ખાતે ઓમ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા પણ ધર્મ, ભક્તિ, રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને એકતાનો સમન્વય કરીને જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો હતો. મિરઝાપરમાં મુકેશભાઈ વેકરીયા દ્વારા સંચાલિત ઓમ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં દુંદાળા દેવની આરાધના સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ઉજાગર થઈ હતી. આ પંડાલના ગણપતિ દાદાના ઈકો ફ્રેન્ડલી બનાવામાં આવ્યા હતાં. અહીં દર્શન કરવા આવતાં દર્શનાર્થીઓએ ભાવપૂર્વક શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા. આ સાથે જ ભાવિકોમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ હતી. ગણપતિ મહોત્સવની શરૂઆત શ્રી લોકમાન્ય તિલકે જન સમૂહને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાના ઉદેશ્ય સાથે કરી હતી. સામૂહિક રીતે આયોજન જેવી બાબતો નાગરિકોને એક તાંતણે બાંધી રાખે છે. આ જ પ્રકારની લોક લાગણી અને ભાવના મિરઝાપર ગણપતિ પંડાલ આયોજનમાં જોવા મળી હતી.