GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરમાં રામનવમીના પાવન અવસરે રામજીની નવમી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય વાજતે ગાજતે નીકળી

 

તારીખ ૦૭/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રેમીઓની ધરોહર ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવ રામનવમીની કાલોલ નગર અને તાલુકા પંથકના અનેક ગામોમાં ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાલોલ નગરમાં પ્રતિ વર્ષની પરંપરા મુજબ સતત 9માં વર્ષે હિન્દુ યુવા સંગઠનના ધર્મ પ્રેમી યુવકોએ રામનવમીની ભક્તિપૂર્ણ ઉજવણીનું સફળ આયોજન કર્યું હતું. આયોજન અંતર્ગત રામનવમીની પૂર્વ સંધ્યાથી જ નગરના મુખ્યમાર્ગો રંગ બે રંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા., આ સાથે રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં આયોજીત સંગીતમય સુંદરકાંડનો લાભ લઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો રામભક્તિમાં લીન બન્યા હતા. રામનવમીના પરોઢિયે રામજી મંદિર ખાતે ઘંટારવ સમેત મંગળા દર્શન અને રજભોગમાં અન્નકૂટ દર્શન સાથે આયોજીત ભંડારમાં મહાપ્રસાદ લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.ઉજવણી અનુસંધાને મહાલક્ષ્મી ચોક ખાતે આયોજીત ધર્મ સભામાં પધારેલા હિન્દુ ધર્મ સેના પંચમહાલ જિલ્લા સંયોજક અને હનુમાન ભક્ત વિક્રમદાસજી મહારાજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રા. પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલભાઈ દેસાઈએ તેજાબી પ્રવચનો સાથે હિન્દુ યુવા વર્ગને ખાસ ધર્મ પરાયણ બનવા અપીલ કરી હતી.સમી સાંજે મહાલક્ષ્મી ચોક ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર અને સંતો મહંતોના આશીર્વાદ સાથે શ્રી રામ લલા અને શ્રી રામ દરબારની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું જે પરવડી બજાર, ગોહ્યા બજાર, નવી પોસ્ટ ઓફિસથી નવાબજાર – બસ સ્ટેન્ડના માર્ગેથી નવાપુરા અને ત્યાંથી રામજી મંદિર પહોંચી હતી જયાં મહાઆરતી બાદ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રામાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ,સ્થાનિક ધારાસભ્ય ફતસિંહ ચૌહાણ તેમજ કાલોલ નગર સમેત આસપાસના ભાવિકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમ્યાન રામ લક્ષ્મણ જાનકી – જય બોલો હનુમાન કી અને જય જય શ્રી રામના ગગનચુંબી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રાના રૂટ પર નગર પાલિકા પાસે ફાયર શો સાથે ઠેર ઠેર રાખવામાં આવેલા લાઈટિંગ શો આકર્ષણના પ્રમુખ કેન્દ્રો રહ્યાં હતાં. શોભાયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સીધી દેખરેખ હેઠળ અભેદ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!