રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છના શિક્ષણ જગતમાં ‘બદલી-ભરતી’નું ગૂંચવણભર્યું ચક્ર : તંત્ર તાત્કાલિક દરમિયાનગીરી કરે
ભુજ, તા. 13 :
કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાં હાલમાં શિક્ષકોની જિલ્લાફેર બદલી, ખાલી જગ્યાઓ ભરવા અને ‘જ્ઞાન સહાયક’ની ભરતીને લઈને એક ગંભીર અને સંવેદનશીલ સ્થિતિ સર્જાઈ છે, જેણે કચ્છના શિક્ષણ સ્તર અને સ્થાનિક યુવાનોના હિત પર ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો છે. આ સમગ્ર મામલો સંવેદનશીલ ગુજરાત સરકાર, શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના તાત્કાલિક ધ્યાન અને તપાસ માંગી રહ્યો છે.
થોડા સમય અગાઉ કચ્છમાં ફરજ બજાવતા અન્ય જિલ્લાના આશરે 1200 જેટલા શિક્ષકોની પોતાના જિલ્લામાં બદલી થઈ હતી, પરંતુ શાળામાં 50% થી ઓછા શિક્ષકો હોવાના નિયમના કારણે તેમને છૂટા કરવામાં આવ્યા નહોતા. તાજેતરમાં 900 જેટલા શિક્ષકોની ભરતી કર્યા બાદ, શિક્ષણ વિભાગના કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડીને 15 ઓક્ટોબર સુધીમાં તમામ બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવાના આદેશ થયાનું જાણવા મળે છે. આ આદેશના પરિણામે કચ્છમાં સરેરાશ 50% શિક્ષકોની જગ્યાઓ ફરી ખાલી થઈ જશે, જે શિક્ષણ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચાડશે. આ સ્થિતિમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને શિક્ષણ સમિતિને વિશ્વાસમાં લઈને જ્યાં સુધી અન્ય જગ્યાઓ ભરાઈ ન જાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા ન કરવા અંગે ઠરાવ કર્યાના સમાચાર છે. જોકે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઈ.ઓ.)ને બદલી પામેલ શિક્ષકોને છુટા ન કરવા બદલ 16 ઓક્ટોબરે મિટિંગ લેવાની સૂચના પણ પત્રમાં આપવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાની ચર્ચા છે. જે સરકારી વહીવટમાં સત્તાના દુરુપયોગની સંભાવના દર્શાવે છે.
આ બદલી-છૂટા કરવાના આદેશનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સમાંતરે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આમાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થતું હોવા છતાં ઉમેદવારોને 15 ઓક્ટોબરે નિમણૂક પત્રો આપવાનું આયોજન કરાયું છે. ઉમેદવારો આને એક ‘વેકેશનનો લાભ લેવાની રમત’ ગણી રહ્યા છે, કારણ કે 15 ઓક્ટોબરે નિમણૂક પત્ર આપવાથી તેઓ વેકેશન (6 નવેમ્બર) બાદ જ હાજર થઈ શકશે. આ પગલું માત્ર બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા માટે ‘ઓન પેપર’ જગ્યા ભરેલી બતાવવા પૂરતું જ હોય તેવી શંકા છે. કારણ કે અનેક ઉમેદવારો જુદા જુદા ઓર્ડરમાંથી અનુકૂળતા મુજબની જગ્યા પર જ હાજર થશે અને બાકીની જગ્યાઓ ફરી ખાલી રહી જશે. આમ ખાલી જગ્યાઓ ભરાયા વિના જ શિક્ષકોને છૂટા કરી દેવાથી શિક્ષણની ગુણવત્તા પર નકારાત્મક અસર પડશે.
આ સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની ખાલી જગ્યા પર ચાર્જમાં હાજર થયેલા અધિકારીનું શિક્ષણ સંઘો દ્વારા તાત્કાલિક સન્માન થવું અને સોશિયલ/પ્રિન્ટ મીડિયામાં તેની પ્રસિદ્ધિ થવી એ પણ તટસ્થતા પર સવાલ ઊભા કરે છે. વેકેશનના સમયનો લાભ લઈ આવા નિર્ણયો લેવાથી ભ્રષ્ટ તત્વો પોતાનું ધાર્યું કામ કરાવી લે છે અને ગામલોકોને સત્ય હકીકતની જાણકારી વેકેશન ખુલ્યા બાદ જ મળે છે. આથી બદલી અને છૂટા કરવાની પ્રક્રિયા વેકેશન ખુલ્યા બાદ અથવા વેકેશન પડવાના ઓછામાં ઓછા દસથી પંદર દિવસ પહેલા થવી જોઈએ.
કચ્છના વિદ્યાર્થીઓનું ભલું થાય અને સ્થાનિક શિક્ષકોને ન્યાય મળે તે માટે સંવેદનશીલ ગુજરાત સરકાર અને શિક્ષણ ખાતા દ્વારા આ અંગે તત્કાલીન તપાસ કરીને બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય પર રોક લગાવી કચ્છના સ્થાનિક ઉમેદવારોને કાયમી ભરતીમાં સમાવવા માટે નિયમોમાં યોગ્ય ફેરફાર કરવો અનિવાર્ય હોવાનું લાગી રહ્યું છે. કચ્છના શિક્ષણ સમિતિના ચેરમેન જે રીતે એકમાત્ર જાગૃત નાગરિક તરીકે લડી રહ્યા છે તેમાં અન્ય સંસ્થાઓ અને બેરોજગાર ઉમેદવારોનો સાથ-સહકાર પણ સમયની માંગ છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com