
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૮ ઓક્ટોબર : “વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણી હેઠળ “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત ઉખેડા ગામમાં તાજેતરમાં જન્મેલી દીકરીઓ માટે શ્રી ઉખેડા પ્રાથમિક શાળા ખાતે “દીકરી ગૌરવોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.નખત્રાણા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી-નખત્રાણા, સરપંચશ્રી ઉખેડા ગ્રામ પંચાયત, એસ.એમ.સી. સમિતિના સભ્યો, સેતુ અભિયાન સંસ્થાના પ્રતિનિધિશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, શ્રી ઉખેડા પ્રાથમિક શાળા આચાર્યશ્રી અને અન્ય સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર દ્વારા આ પ્રસંગે સંબોધન કરતા કાર્યક્રમનો હેતુ સમજાવતા દીકરીઓને શિક્ષિત કરવા તથા સરકારશ્રીની યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવાયું હતું કે, આ “નવતર પહેલ” ની શરૂઆત કચ્છ જિલ્લામાં પ્રથમ ઉખેડાથી કરાઇ છે. આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓનું પૂજન અને “ઘર કી પહેચાન બેટીઓ કે નામ” અભિયાન અંતર્ગત “દીકરી નેઈમ પ્લેટ” ડ્રાઈવ રાખવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” નાટક યોજવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો-ઓર્ડીનેટર દ્વારા મહિલાલક્ષી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. ઉખેડા ગામમાં નવનિર્મિત બાલિકા પંચાયતની ટીમને સન્માનપત્ર દ્વારા પ્રોત્સાહીત કરાઇ હતી. વધુમાં ઉખેડા ગામની પ્રથમ એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરનાર દીકરીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. પાલક માતાપિતા યોજનાનો લાભ લેતી દીકરીઓને “એજ્યુકેશન કીટ” તથા તાજેતરમાં જન્મેલ દીકરીઓને “દીકરી વધામણા કીટ” સાથે ગામમાં ઉત્કૃષ્ટ સિદ્ધી મેળવેલી બહેનોને પ્રમાણપત્ર આપીને વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ DHEWની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.





