
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૮ ઓક્ટોબર : કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે કચ્છના ગ્રામ્ય વિસ્તાર સાથે અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, ભચાઉ, ભુજ, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જાહેર રસ્તાઓને ચોખ્ખાંચણાક કરવામાં આવ્યાં હતાં તથા વિવિધ પ્રવૃત્તિ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. આ સાથે ભચાઉ તાલુકા પંચાયત ખાતે તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ હતી.કચ્છમાં ગ્રામ્યવિસ્તાર તથા નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કરીને સઘન સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા નાળાની સફાઇ, જાહેર માર્ગો તથા જાહેર ચોક, સર્કલ, ગરબી ચોક વગેરે સ્થળોની નિયમિત સફાઇ સાથે જનજાગૃતિ માટે યોગ શિબિર, વેસ્ટુ ટુ આર્ટ, એક પેડ મા કે નામ, સફાઇમિત્ર સુરક્ષા શિબિર જેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પણ સફાઇની કામગીરી કરવામાં આવી હતી. આડેસર, અંગિયા મોટા તથા સુથરી વગેરે ગામમાં જાહેર વિસ્તાર, શેરી વગેરેની જનભાગીદારી સાથે સફાઇ કરાઇ હતી.ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી અને સરપંચની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીશ્રી વજેસિંહ પરમાર દ્વારા પ્રારંભિક તબક્કે સ્વચ્છતા બાબતેની વિવિધ માહિતી આપવા સાથે ગામની જાહેર જગ્યા ઉપર રોજે રોજ સફાઈ કરવા જણાવાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામકક્ષાએ ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય, સુચારૂ અને કાયમી નિકાલ કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો. લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારીક જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબધ્ધ બને તે માટે કર્મચારીઓને તાલીમથી માહિતગાર કરવામાં આવ્યા.
રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદના માસ્ટર ટ્રેનર વિનુભાઈ અને ભાનુબેને તાલીમ આપી હતી. તાલીમમાં ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાણુભા જાડેજા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેશ રાજગોર, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના IEC કન્સલ્ટન્ટશ્રી, જીતેન્દ્ર ભીલ, તાલુકા બ્લોક કો.ઓડીનેટર ગૌતમ પરમાર, ક્લસ્ટર કો.ઓર્ડીનેટરશ્રી તેમજ તાલુકાના ગામોના સરપંચ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.







