
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વેરો એડવાન્સ, સુવિધા શૂન્ય! શું ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દાની વહેંચણી સુધી જનતાની સમસ્યાઓને ‘વેઇટિંગ’માં રાખશે?
મુંદરા, તા. 17:
મુંદરા – બારોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂરી થઈ પરિણામો આવી ગયા અને વિજય સરઘસમાં નેતાઓના ગળામાં લોકોએ હોંશે હોંશે હારતોરા પણ પહેરાવ્યા. જનતાએ પોતાના કિંમતી મતો આપીને આશા રાખી હતી કે વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે. પરંતુ આજની વાસ્તવિકતા જોઈને લોહી ઉકળી ઉઠે તેવો સવાલ થાય છે: “શું જનતા દ્વારા ચૂંટેલા પ્રતિનિધિઓ જ્યાં સુધી મલાઈદાર હોદ્દા પર ન ગોઠવાય ત્યાં સુધી પ્રજાના કામ કરવા માટે લાચાર કે નિષ્ક્રિય બેસી રહેશે!”
તાજેતરમાં સોશિયલ ગ્રુપમાં પર એક મીડિયા સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી કે નગરપાલિકાની ‘વરણી’ (હોદ્દેદારોની નિમણૂક) થયા પછી પ્રજા પોતાની સમસ્યાઓ માટે તેમનો સંપર્ક કરે, અને મીડિયા તંત્ર પાસે રજૂઆત કરશે! આ જાહેરાત જનતાના જખમ પર મીઠું ભભરાવવા સમાન અને શરમજનક નથી લાગતી?
લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયા અને પત્રકારોનું કામ માત્ર એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને કે વ્હોટ્સએપ પર જાહેરાતો કરીને ‘તંત્ર પાસે રજૂઆત કરીશું’ તેવા આશ્વાસનો આપવાનું નથી. સત્યને ઉજાગર કરનાર સાચા પત્રકારે તમામ વોર્ડની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ લોકોની પાણીની વિકટ સમસ્યાની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવી જોઈએ અને તંત્રની બેદરકારીને ખુલ્લી પાડવી જોઈએ નહીં કે માત્ર શહેરની વિરાસતોની તસ્વીરો પ્રગટ કરીને સંતોષ માનવો જોઈએ? હોદ્દાની વહેંચણીની રાહ જોયા વગર જનતાનો અવાજ પાલિકાના વહીવટદારોના કાન સુધી પહોંચાડવો એ જ સાચી પત્રકારત્વની ફરજ છે.
વોર્ડ નંબર ૬ ના લોકોની કરુણતા: ૭૨૦ વેરો રોકડો ભરો, તો પણ પાણી માટે ટેન્કર મંગાવવાનું?
મુંદરાના વોર્ડ નંબર ૬ માં આવતા વર્ધમાન નગર સહિતના સોસાયટી વિસ્તારોમાં છેલ્લા બે માસથી પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પુરી ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બહેનો-દીકરીઓને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડતા હોય તો એ લોકશાહી શાસન વ્યવસ્થા માટે શરમજનક બાબત છે. અને હદ તો ત્યારે થઈ કે વોર્ડના જ ચૂંટાયેલા મહિલા સભ્ય દ્વારા એવા જવાબો આપવામાં આવ્યા કે “હજુ સુધી અમને હોદો મળ્યો નથી એટલે આ બાબતે અમે કાંઈ મદદ કરી શકતા નથી.” ત્યારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું થાય. અને જ્યારે આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાના સ્ટાફને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ નઘરોળ જેવું બહાનું કાઢે છે કે “ઘરોની સંખ્યા વધી ગઈ હોવાથી પૂરતું પાણી પહોંચાડી શકાય એમ નથી, તમે પાલિકામાં રજૂઆત કરો!”
અરે શરમ કરો શરમ! ઘરો ભલે વધી ગયા પણ જનતા વર્ષના ૭૨૦ રૂપિયા પાણી વેરો તો નિયમિત અને એડવાન્સ ભરે છે ને? જો વેરો લીધા પછી પણ પાણી ન આપી શકવાના બહાના જ કાઢવાના હોય અને પ્રજાએ બજારમાંથી મોંઘા ભાવના ટેન્કરો ખરીદવા પડતા હોય તો આ ઉઘાડી લૂંટની જવાબદારી કોની? શું પ્રમુખની ખુરશી ખાલી છે ત્યાં સુધી સરકારી બાબુઓને જનતાના ભોગે એસી ઓફિસોમાં બેસીને માત્ર મોજ-મજા જ કરવાની છે?
ભુજની બહેનો અને વિપક્ષ પાસેથી કંઈક શીખો, મુંદરાના નેતાઓ કયા દરમાં છુપાયા છે?
હજુ હમણાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં ભુજ નગરપાલિકામાં બે મહિનાથી પાણી ન આવતા ત્યાંની ત્રાસેલી બહેનો અને ત્યાંના વિપક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરો પાણી પુરવઠા અધિકારીને શોધતા કલેક્ટર ઓફિસ પહોંચી ગયા. મીટિંગ ચાલુ હોવાથી અંદર જવાની ના પાડી તો પણ આ ખુદ્દાર જનતા અને વિપક્ષી નેતાઓ નવનિયુક્ત કલેક્ટર સાહેબની ચાલુ મીટિંગમાં ઘૂસી ગયા અને તંત્રના કાન આમળ્યા!
ત્યારે મુંદરામાં વિરોધ પક્ષની જવાબદારી સંભાળવાની મોટી-મોટી ગુલબાંગો હાંકનારા અને શાસક પક્ષ સામે પાંચ વર્ષ સુધી જનતાનો અવાજ પહોંચાડવાની વાતો (ફાંકા ફોજદારી) કરનારા વિરોધપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે કયા ‘દર’ (રાફડા) માં છુપાઈને બેઠા છે? શું વિપક્ષનું કામ પણ માત્ર પરિણામોના દિવસે ફોટા પડાવવા પૂરતું જ હતું? આશા છે કે મુંદરા – બારોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીરતા દાખવશે.
નગરસેવક બનવા માટે કોઈ હોદ્દાની લાલચ કે સત્તાવાર બેઠકની જરૂર નથી હોતી માત્ર સેવાની ભાવના હોવી જોઈએ. જો આગામી સમયમાં વોર્ડ નંબર ૬ માં પાણી પુરવઠો નિયમિત નહીં કરાય તો જનતા પાલિકાની કચેરીએ વહીવટદારો અને નેતાઓનો ઘેરાવ કરતા પણ અચકાશે નહીં. એવું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી પતી ગઈ છે ત્યારે હવે તો જનતાના ભોગે રાજકારણ રમવાનું બંધ કરો!
————————–
🚨 મુંદરા પાલિકા જાગો અથવા ખુરશી ખાલી કરો!🚨
વોર્ડ નં-૬ ના વર્ધમાન નગરમાં છેલ્લા ૨ માસથી પાણી ગુલ! વાર્ષિક ૭૨૦ વેરો ભરવા છતાં જનતા ટેન્કરનું પાણી ખરીદવા મજબૂર. હોદ્દાની લાલચમાં અંધ બનેલા નગરસેવકો અને એસી ઓફિસમાં મોજ કરતા સરકારી બાબુઓ સામે જનતાનો ઉગ્ર આક્રોશ. ભુજમાં બહેનો કલેક્ટરની મીટિંગમાં ઘૂસી ગઈ, મુંદરાના વિપક્ષી નેતાઓ કયા દરમાં છુપાયા છે?

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




