જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારીશ્રીના સંકલનમાં ગેસ લીકેજ ઘટનાની ઓફસાઈટ મોકડ્રિલ યોજાઈ.
કંડલા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ વખતે વિકરાળ આગ ફાટી નીકળી.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.
આગની જાણ થતા જ કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે ઓફસાઈટ મોકડ્રિલનું આયોજન કરાયું.
ગાંધીધામ, તા-06 જૂન : કચ્છમાં કંડલા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલા બફર પમ્પમાં મેન્ટેનન્સની કામગીરી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ સ્પાર્ક થતાં એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. ઈન્ડિયન ઓઈલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જોકે, તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાય એવી સ્થિતિ નહોતી. આથી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર ૦૩ જાહેર કરીને જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી. કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી. મામલતદારશ્રી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઈટ મોકડ્રિલ આયોજન કરાયું હતું. આ આગ લાગવાની દૂર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ ઓફસાઈટ મોકડ્રીલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીશ્રીના સંકલનમાં યોજવામાં આવી હતી. જેથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી મેજર કંપનીમાં આગની ઘટના બને ત્યારે તમામ મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં યોજવામાં આવેલી આ મોકડ્રીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આગ લાગવાના કિસ્સામાં જિલ્લા વહીવટીતંત્રના લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરીને રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે.આ મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ, મોકડ્રિલ સિનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી. સેફ્ટીના તમામ સાધનો સાથે અધિકારીશ્રીઓને મોકડ્રિલના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સેફ્ટી ટીમને અભિનંદન આપ્યા હતા. ગાંધીધામ મામલતદારશ્રી ડી.એમ.પરમારે મોકડ્રિલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીશ્રી આર.એચ.સોલંકીએ મોકડ્રિલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.આ મોકડ્રીલ દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, એઆરટીઓશ્રી અંજાર, કચ્છ ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસરશ્રી હિતેશ પોપટાણી, ફાયર ઓફિસરશ્રીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





