
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા-૧૧ જાન્યુઆરી : કચ્છ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અંતર્ગત ખેડૂતોને માહિતગાર કરવા તેમજ જળ સંરક્ષણના અંગે વાકેફ કરવા માટે ગામડાઓમાં તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખારોઈ અને સુખપર ગામ તેમજ અંજાર તાલુકાના લોહારિયા ગામ ખાતે તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી.આ તાલીમ દરમિયાન ખેડૂતોને રિચાર્જ વિસ્તારમાં જળ જમીન સંરક્ષણની કામગીરી તથા જળસંગ્રહના બાંધકામોની મરામત તેમજ જાળવણી અંગેની માહિતી આપવામાં આવી હતી. વધુમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગેની સમજણ આપવામાં આવી હતી. ખેડૂતોની ઉપજમાં વધારો આવે અને તેઓ આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેની જાણકારી ખેડૂતોને આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી.





