
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના દશેરા ટેકરી બજારથી ચારરસ્તા સુધીના વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે હવે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દિવસભર હજારો લોકોની અવરજવર થતી હોવા છતાં જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નથી. અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા શૌચાલય પણ હાલમાં બંધ અને ગંદકીથી ભરાયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે.આ મુદ્દે એક જાગૃત વેપારીએ સ્થાનિક પત્રકારનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે બજાર વિસ્તાર તાલુકાનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં અહીં મૂળભૂત સુવિધાઓ જ કાર્યરત નથી. મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વેપારીઓને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિકાસના દાવાઓ વચ્ચે આવી સ્થિતિ કેમ? શું તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં લેશે? હવે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરીને બંધ જાહેર શૌચાલયો ફરી કાર્યરત બનાવશે અને સ્વચ્છતા જાળવવા માટે કાયમી વ્યવસ્થા કરશે. તાલુકા મુખ્ય મથક જેવી અગત્યની જગ્યાએ યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સમયની માંગ બની ગઈ છે.



