
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ગુજરાત સરકાર અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્તપણે કરાયું છે આયોજન.
ભુજ,તા૧૩ માર્ચ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ, ભુજ દ્વારા વૃદ્ધોની વિશેષ સારસંભાળ અને સેવાના ઉમદા હેતુ સાથે અને ગુજરાત સરકારની પ્રેરણાથી “એલ્ડરલી હોમ કેર કોર્સ”નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલ અને કચ્છ જિલ્લા શાખાના ચેરમેન ધવલભાઈ આચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ તાલીમ કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર મનોજભાઈ દવે અને ટી.એચ.ઓ. રવિભાઇ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજિત સમારોહમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ખજાનચી સંજયભાઈ ઉપાધ્યાય અને મંત્રી મીરાબેન સાવલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થા દ્વારા અતિથિ વિશેષ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર મનોજભાઈ દવે અને ટી.એચ.ઓ. રવિભાઇનું સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ તકે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મનોજભાઈ દવેએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કોર્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં આ પ્રકારના તાલીમબદ્ધ કોર્સની ઉપયોગિતા સતત વધી રહી છે. વધુમાં, ટી.એચ.ઓ. રવિએ ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે, જેને ધ્યાને લેતા વૃદ્ધોની વૈજ્ઞાનિક ઢબે સંભાળ રાખવા માટે આવા પ્રોફેશનલ કોર્સ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.એલ્ડરલી હોમ કેર કોર્સ એ એક એવો વિશેષ તાલીમ કાર્યક્રમ છે જેમાં સીનિયર સિટીઝન્સની ઘર આધારિત સંભાળ રાખવા માટે પ્રેક્ટિકલ અને થિયરી એમ બંને પાસાઓ પર તાલીમ આપવામાં આવે છે. આ કોર્સ અંતર્ગત તાલીમાર્થીઓને વૃદ્ધોની દૈનિક જરૂરિયાતો, તેમનું આરોગ્ય, સલામતી અને માનસિક સહાય પૂરી પાડવાની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક શીખવવામાં આવે છે. કાર્યક્રમના અંતે મંત્રી મીરાબેન સાવલિયાએ આભાર વિધિ કરી હતી, જ્યારે ચેરમેન ધવલભાઈ આચાર્ય અને વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતાએ તાલીમાર્થીઓને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





