
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
વડાપ્રધાન ના નેતૃત્વમાં કચ્છના વિકાસથી લોકોનું જીવન ધોરણ બદલાયું છે : સાસંદ વિનોદભાઈ ચાવડા
ભુજ ,તા-૧૫ ફેબ્રુઆરી : ભુજ તાલુકાના ધ્રંગ ખાતે આજરોજ રુ. 50 લાખના ખર્ચે પુલ તથા 10 લાખના ખર્ચે બનેલા શેડ ફ્લોરિંગ કામ, પેવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી એ જણાવ્યું હતું કે, મેકરણદાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રીનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે. લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા. તેમણે લખેલી સાંખીઓ આજે પણ સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે. રાજ્યમંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાઓનો અંત આવશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ઊભી કરાયેલી આરોગ્ય, રસ્તા, વીજળી સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કરતા આગામી સમયમાં હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, સ્ટેટ હાઈવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકોને રાજ્ય તેમજ ભારતના વિકાસમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો. આ યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ વિસ્તાર તેમજ આ પવિત્ર ભૂમિ માટે ખૂટતી તમામ વિકાસની કડીઓને રાજ્ય સરકાર પૂર્ણ કરશે. તેમને અહીં અદ્યતન લાયબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત સાથે વધુ સહયોગની જરૂર હશે તો તે પણ આપવા માટે ખાત્રી ઉચ્ચારી હતી. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન ની દીર્ઘદ્રષ્ટિથી કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ ઝડપભેર કામો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં પણ નર્મદાના પાણી પહોંચતા આ વિસ્તાર પણ હરિયાળો બનશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કચ્છમાં થયેલા વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષમાં કચ્છનો વિકાસ પ્રેરણા રૂપ થયો છે, જેનાથી લોકજીવન ધોરણ બદલાયું છે ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર વધુ વિકાસના કામો કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મહંત મુળજીરાજા કાપડી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડ, આગેવાન દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઇ જોધાણી, હિતેષભાઇ ખંડોલ, તેજાભાઈ આહિર, સતીશભાઈ છાંગા, હરિભાઈ જાટીયા, બાબુભાઈ હુંબલ, સહીત વિવિધ ગામના સરપંચ ઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.












