NATIONAL

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં : ભાગવત

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામના મંદિરની સ્થાપના બાદ હવે દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી. એ જ રીતે કાશી અને મથુરામાં મસ્જિદોની જગ્યાએ ભગવાન શિવ અને કૃષ્ણના મંદિરો બનાવવાના કેટલાક હિન્દુ સંગઠનોના આંદોલનને સંઘ સમર્થન કરતું નથી, પરંતુ સ્વયંસેવકો ઈચ્છે તો તેઓ પોતાની રીતે આવા આંદોલનોમાં જોડાઈ શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ પ્રમુખની પસંદગીમાં સંઘની કોઈ ભૂમિકા નથી.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમના ભાગરૂપે ‘૧૦૦ વર્ષની સંઘ યાત્રા – નવી ક્ષિતિજ’ વિષય પર આયોજિત ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભાજપના નવા પ્રમુખની પસંદગીમાં સંઘની કોઈ ભૂમિકા નથી. આ નિર્ણય અમારે જ લેવાનો હોત તો પ્રમુખની પસંદગી ઘણા સમય પહેલાં જ થઈ ગઈ હોત. અમે માત્ર ભાજપ અને સરકારને સલાહ આપીએ છીએ. પરંતુ તેનો નિર્ણય તેઓ જ લે છે. સંઘ અને ભાજપ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ નથી. ભાજપના બધા જ નિર્ણયો સંઘ લે છે તેવી માન્યતા ખોટી છે.

મોહન ભાગવતે દેશની વસતીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પર્યાપ્ત જનસંખ્યા માટે પરિવારમાં ત્રણ બાળકો હોવા જોઈએ. આપણે બે અને આપણા ત્રણ એ નીતિ રાષ્ટ્ર માટે સારી છે. દેશમાં ધર્માંતરણ અને ઘૂસણખોરીથી વસતીનું અસંતુલન વધ્યું છે. દેશની આઝાદીમાં સંઘનું કોઈ યોગદાન નહોતું દેવા કોંગ્રેસના દાવાઓને ફગાવી દેતા સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે, આરએસએસે દેશનું વિભાજન રોકવા પ્રયત્ન કર્યો હતો. કોઈએ ગુરુજી ગોલવલકરને પૂછ્યું કે શું દેશનું વિભાજન થશે તો સંઘે તેનો વિરોધ કર્યો હતો. તે સમયે સંઘની શક્તિ ખૂબ જ ઓછી હતી. વિભાજન વિરુદ્ધ પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે સફળ થયા નહીં.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંદર્ભમાં સંઘ પ્રમુખે કહ્યું કે ધાર્મિક આધારે કોઈપણ હુમલા કરવામાં સંઘ વિશ્વાસ નથી રાખતું. હિન્દુ દર્શન ક્યારેય એમ નથી કહેતું કે ઈસ્લામ નહીં રહે. ધર્મ વ્યક્તિગત પસંદગીની બાબત છે અને તેમાં ક્યારેય લોભ-લાલચ અને જબરજસ્તી હોવી જોઈએ નહીં.

અમેરિકા સાથે ટેરિફ વિવાદના સંદર્ભમાં સંઘ પ્રમુખ ભાગવતે આત્મનિર્ભરતા અને સ્વદેશી મંત્ર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આપણી પાસે સ્વદેશી શિકંજી છે તો કોકા-કોલા, સ્પ્રાઈટ વગેરે શા માટે પીવું જોઈએ? અમેરિકાએ ભારત પર નાંખેલા ૫૦ ટકા ટેરિફ વચ્ચે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય વેપાર કોઈપણ દબાણ હેઠળ નહીં પરંતુ સ્વેચ્છાએ કરવો જોઈએ. આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સ્વદેશીને પ્રાથમિક્તા  આપવી જોઈએ.

Back to top button
error: Content is protected !!