ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામો માટે “મોબાઇલ હેલ્થ યુનિટ + ટુ-વ્હીલર MHU” પ્રોજેક્ટનો શુભારંભ

ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામો માટે “મોબાઇલ હેલ્થ યુનિટ + ટુ-વ્હીલર MHU” પ્રોજેક્ટનો શુભારંભ


રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
રાજ્યના છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાની નેમ સાથે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાના દૂર-દૂરના આદિજાતિ અને ડુંગરાળ ગામો સુધી આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા માટે આજે મહીસાગર જિલ્લા પંચાયત ખાતેથી “મોબાઇલ હેલ્થ યુનિટ (MHU) અને ટુ-વ્હીલર MHU” પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ઉદ્ઘાટન પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. સી. આર. પટેલિયા, RCHO ડો. એસ. સી. ઢાંકા, MHU પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સચિન સુથાર, તમામ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને આ આરોગ્ય રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સામાન્ય વાહનોની સાથે ‘ટુ-વ્હીલર MHU’ નો પણ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં જ્યાં મોટા વાહનો જઈ શકતા નથી, ત્યાં આ ટુ-વ્હીલર પગદંડી અને પર્વતીય રસ્તાઓ પર પણ સરળતાથી પહોંચી શકશે. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને પ્રાથમિક તપાસ, નિદાન અને દવાઓ હવે તેમના ઘર આંગણે જ ઉપલબ્ધ થશે.
આ વિશેષ ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટમાં દર્દીઓની પ્રાથમિક સારવારની સાથે અનેક પ્રકારના ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવશે. જેમાં રેન્ડમ બ્લડ સુગર, મેલેરિયા, પ્રેગ્નન્સી ટેસ્ટ, પેશાબની તપાસ, બ્લડપ્રેશર (BP) અને શરીરના તાપમાનની નોંધણી સહિતના અનેક રિપોર્ટો નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ સ્થળ પર જ જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.
દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ, બીમાર, અશક્ત અને વૃદ્ધ દર્દીઓ માટે તાત્કાલિક નિદાન અને આરોગ્ય સેવાઓ પૂરી પાડતી આ પહેલ સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ, મહીસાગરના આ સઘન પ્રયાસોથી ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સુવિધાઓ વધુ સુદઢ અને લોકાભિમુખ બનશે.
તસવીર
સંતરામપુર. ઈનદૂવદન વ પરીખ
30.06,2026.



