
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-14 મે : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાકના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે પોષક તત્વોની આપૂર્તિ અંગેનું વ્યવસ્થાપન કરવા બાબતે વિગતવાર વાત કરીશું.
૧. જૈવિક અર્ક: ક્રમાંક જરૂરી વસ્તુઓ પ્રમાણ
૧ એક વર્ષ જૂનાં દેશી ગાયનાં છાણાં ૧૫ કિલો ગ્રામ
૨ પાણી ૫૦ લિટર
બનાવવાની પદ્ધતિ: દેશી ગાયનાં ૧૫ કિલો સૂકા અડાયા છાણાંને ખાંડીને બારીક ભૂકો કરો. તે ભૂકાને કપડામાં બાંધીને તે પોટલી ૨૦૦ લીટર પાણીમાં વચ્ચોવચ ૨૪ કલાક માટે લટકાવી રાખો. પાણીનો રંગ લાલ થઈ જશે. ૪૮ કલાક પછી તે પોટલી પાણીમાંથી બહાર કાઢી તેને પાણીમાં નીચોવો, બીજી વખત પાણીમાં પલાળો અને નીચોવો, આવું બે ત્રણ વખત કરવાથી, તેનો બધો જ અર્ક પાણીમાં આવી જશે. પછી તે દ્રાવણને લાકડીથી હલાવી કપડાથી ગાળી લો અને હવે બીજુ વધારાનું પાણી ઉમેર્યા વગર, તેનો સીધો જ પાક ઉપર છંટકાવ કરો.
૨. સપ્તધાન્યાંકુર અર્ક : ફળ, શાકભાજીની સાઈઝ, ચમક અને વજન (ઉત્પાદન) તેમ જ દાણામાં ચમક લાવવા માટે.
ક્રમાંક જરૂરી વસ્તુઓ પ્રમાણ
૧. તલના દાણા ૧૦૦ ગ્રામ
૨. મગના દાણા ૧૦૦ ગ્રામ
૩. અડદના દાણા ૧૦૦ ગ્રામ
૪. ચોળાના દાણા ૧૦૦ ગ્રામ
૫. મઠના દાણા ૧૦૦ ગ્રામ
૬. ચણાના દાણા ૧૦૦ ગ્રામ
૭. ઘઉંના દાણા ૧૦૦ ગ્રામ
બનાવવાની પદ્ધતિ: એક વાટકીમાં ૧૦૦ ગ્રામ તલ (કાળા અથવા સફેદ) લઈને તેને પાણીમાં પૂરા ડુબે એટલું પાણી લઈને પલાળો, કપડાંથી ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે બીજી મોટી વાટકીમાં ૧૦૦ ગ્રામ મગ + ૧૦૦ ગ્રામ અડદ + ૧૦૦ ગ્રામ ચોળા + ૧૦૦ ગ્રામ મસૂર + ૧૦૦ ગ્રામ ચણા + ૧૦૦ ગ્રામ ઘઉં આમ છ પ્રકારના દાણા લઈને તેને ભેગા કરો. તેમાં એટલું પાણી નાખો કે બધા જ દાણા પાણીમાં સારી રીતે પલળી શકે. પછી આ વાટકી સુરક્ષિત જગ્યા ઉપર રાખો, બીજા દિવસે બધા જ પલાળેલા દાણા તલ સહિત એક ભીના કપડામાં બાંધો. તે પોટલી ઘરમાં અંકુરણ થવા માટે લટકાવીને રાખી દો. જે પાણીમાં આ સાતે પ્રકારના દાણા પલાળ્યા હતા તે પાણીને સાચવી રાખો. તે પાણી મહત્વપૂર્ણ છે, હવે જે દિવસે પોટલી અંદરના દાણામાં ૧ સેન્ટિમીટર જેટલા લાંબા અંકુર ફૂટે, તે દિવસે પોટલીમાંથી બધા જ દાણા કાઢીને તેની ખાંડણીયામાં ચટણી બનાવો. મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ ન કરવો. તેમાં ગરમી પેદા થાય છે, અંતઃસ્ત્રાવો ઊડી જાય છે. પછી ૨૦૦ લીટર પાણી લો, તેમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખો, જે પાણીમાં દાણા પલાળ્યા હતા, તે પાણી પણ આમાં ઉમેરો અને તેને લાકડીથી હલાવો પછી તેની સાથે દાણાની ચટણી ઉમેરો. તે ચટણી આ પાણીમાં આંગળીથી ચોળીને સારી રીતે ભેળવી દો. ફરી એક વખત હલાવો, સ્થિર થયા પછી, તેને બે કલાક કોથળાથી ઢાંકીને રાખી મૂકો. આ બે કલાકમાં રાસાયણિક બંધ તૂટીને અણુ વિનિમય થઈ જશે. પછી દ્વાવણને કપડાથી ગાળી લો અને શક્ય તેટલી ઝડપથી તેનો છંટકાવ કરો. આ દ્વાવણ બન્યા પછી ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ કરવાનો છે. આ સપ્તધાન્યાંકુરના છંટકાવથી ફળ અને દાણાની સાઈઝ વધે છે, ચમક આવે છે ફળ અંદરથી પૂરી રીતે ભરાઈ જાય છે. ફળોનાં ડિટ મજબૂત બને છે. તેના પરિણામે ફળ ખરતાં નથી, સ્વાદ અને સુગંધ વધે છે તેમજ ઉત્પાદન પણ વધે છે.પાકના દાણા દુગ્ધ અવસ્થામાં (milking stage) હોય, તે સમયે આ સપ્તધાન્યાંકુરનો છંટકાવ પાક ઉપર કરવાનો છે. છંટકાવ સમયે તેમાં પાણી ભેળવવાનું નથી. જેવો છે તેવી જ સ્થિતિમાં છંટકાવ કરવાનો છે. ફળઝાડ ઉપર ફળો લાગવાની શરૂઆત થાય ત્યાર પછી ફળ ઉપર અને પાન ઉપર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકૂરનો પ્રતિ એકર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત છંટકાવ કરવાનો છે. પાણી ભેળવવાનું નથી. ફૂલની ખેતીમાં જ્યારે ફૂલ કળી અવસ્થામાં હોય છે. ત્યારે પ્રતિ એકર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકૂર અર્કનો છંટકાવ કરી દો. લીલાં શાકભાજી પાલક, મેથી કાપ્યા પછી પાંચ દિવસમાં સપ્તધાન્યાંકુર ૨૦૦ લીટર પ્રતિ એકર છંટકાવ કરો, પાણી ભેળવવાનું નથી.
નવ બીજાંકુર અર્ક
રીતઃ ૧) એક વાસણમાં મગ, મઠ, અડદ, તુવેર, ગુવાર, તલ, સોયાબીન, મગફળી, કપાસિયા, એરંડા, બાજરી, જુવાર, મકાઇ, ચોખા, નાગલી, વરિયાળી, મરચાં પૈકી કોઈપણ નવ પ્રકારના ૧-૧ કિલોગ્રામ બીજ લઈ તેમાં એટલા પ્રમાણમાં પાણી ઉમેરો કે જેથી તે સારી રીતે પલળી જાય, ત્યાર બાદ તેને ઘરની અંદર રાખો.
૨) ત્રણ દિવસ બાદ બધા દાણાને બહાર કાઢી લો, ત્યાર બાદ કપડાની પોટલીમાં આ બધા દાણાઓને બાંધવા અને તેમને અંકુરીત થવા માટે ઘરની અંદર રાખવા. જે પાણીમાં દાણા પલાળેલા હતા, તે પાણીને પણ ઢાંકીને રાખો.
૩) પોટલીમાં રહેલ દાણામાંથી જયારે ૧ સે.મી. લંબાઇના અંકુર બહાર નીકળે ત્યારે પોટલી ખોલવી અને તેની ચટણી બનાવવી. ત્યાર બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ચટણીને હાથ વડે સારી રીતે ભેળવવી અને પહેલાં પલાળેલ પાણી પણ આમાં ભેળવવું.
૪) આ રીતે તૈયાર થયેલા મિશ્રણને ૨ કલાક સુધી રાખો. બે કલાક બાદ આ મિશ્રણને હલાવી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
૫) હવે ૪૮ કલાકની અંદર આ મિશ્રણનો છંટકાવ કરી દેવો. ચમત્કારી પરિણામ મળશે અને જ્યાં તેનો છંટકાવ કરેલું હશે ત્યાં પાક ઉપર ચમક આવી જશે.
નવધાન્ય પાક પદ્ધતિ:
જો તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો છો અને ઉત્પાદન ઘટવાની બીક છે તો તેના નિવારણ માટે નીચે મુજબની પદ્ધતિથી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી શકાય-
ઉનાળામાં વધતાં તાપમાનના લીધે જમીનમાંથી જરૂરી પોષક તત્ત્વોની અછત જણાતી હોય છે, તેમજ જમીનમાં રહેલો કાર્બન પણ ઊડી જાય છે અને આગળની પાક પદ્ધતિમાં પોષક તત્વોની ખામી સર્જાય છે. તેના નિવારણ માટે નવ ધાન્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
આ પદ્ધતિમાં ઉનાળાની ઋતુમાં મિશ્ર પાકનું વાવેતર કરવામાં આવે છે. યાદ રાખો જો તમે અગાઉ કોઈ પાક લીધેલો હોય તો પાક લીધા પછી તેની ખેડ કરવાની નથી, પરંતુ તેમાં જ તુવેર, બાજરી, એરંડા, મરચા, વરિયાળી, મગફળી, ગુવાર, જુવાર, મકાઈ, મઠ, મગ, નાગલી, ચોખા, તલ, સોયાબીન અને અડદ પૈકી કોઈપણ નવ પાકના ૧-૧ કિલોગ્રામ બીજ લઈ બધા જ પ્રકારના બીજને બીજામૃત વડે બીજ સંસ્કરણ કરીને તેનું વાવેતર કરવું. વાવેતર કર્યાના ૪૫ દિવસ પછી અથવા પાકના જીવનચક્રના અડધા સમયગાળા બાદ તેની કાંપણી કરી અને જમીનમાં લીલા પડવાશ તરીકે દાટી દેવું અને મિશ્ર કરી દેવું. આ નવધાન્ય પાકનો ઉપયોગ પશુને ખવડાવવા માટે લીલાચારા તરીકે પણ કરી શકાય છે.
આ પદ્ધતિથી ઉનાળામાં જમીન ખાલી ન રહેતાં તેના પર એક આવરણ થાય છે જેનાથી જમીનનું તાપમાન જળવાય છે, જમીનમાં ભેજ તથા પોષક તત્ત્વોનો સંચય થાય છે, જમીનનો કાર્બન ઊડી જતો નથી તેમજ વિવિધ પાકના લીલા પડવાશથી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધવાથી ઓર્ગેનિક કાર્બન પણ વધે છે. તેની સાથે સાથે વિવિધ પ્રકારના પાકના અવશેષોમાંથી બીજી ઋતુમાં પાકને બધાં જ પોષક તત્ત્વો પણ મળી રહે છે. વધતાં તાપમાનના લીધે જમીનમાંથી પોષક તત્ત્વોનો વ્યય થતો અટકે છે. આ ઉપરાંત સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે.આવી રીતે જ્યારે પણ જમીન ખાલી હોય ત્યારે ઋતુ અનુસાર અને સ્થાનિક વાતાવરણ અનુસાર જુદાં જુદાં પ્રકારના અનાજ કઠોળ અને તેલીબિયાંનાં બીજ પસંદ કરો.


