
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
💖 મણિ કચ્છી માડુ એ કે મુજા રામ રામ : ડૉ. પ્રીતિબેન અદાણી
ભાગવત કથામાં માનવ મહેરામણથી ડોમ ટૂંકો પડ્યો!
રતાડીયા,તા.15: અદાણી પરિવાર દ્વારા શિરાચા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથા શ્રવણ માટે ૮૦૦૦થી વધુ લોકોની વિશાળ જનમેદની ઊમટી પડતાં કથામંડપ (ડોમ) નાનો પડ્યો હતો જે ધર્મ પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવે છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણીએ કચ્છી ભાષામાં સૌનું ભાવભર્યું સ્વાગત કરતાં કહ્યું કે “મણિ કચ્છી માડુ એ કે મુજા રામ રામ. આજે ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો.” તેમણે ‘સર્વજનહિતાય સર્વજનસુખાય’ના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સપ્તાહનું મહત્વ સમજાવતાં માનવ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. તેમણે જણાવ્યું કે વિકાસ એટલે માત્ર ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવનો સાચો વિકાસ. છેલ્લા ૨૫ વર્ષથી દરેક પડકારમાં કચ્છના લોકોએ અદાણી જૂથને જે સાથ આપ્યો છે તેને બિરદાવતા તેમણે કહ્યું કે ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે. બીજા દિવસની કથામાં બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં સહિત અનેક પૂજનીય સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે શીલાપીજી સાધ્વીજી મહારાજસાહેબે અદાણી પરિવારના સેવા અને સત્કર્મની સુગંધની પ્રશંસા કરી હતી જ્યારે આઈશ્રી દેવલમાએ જીતભાઈ અદાણીના લગ્નમાં દિવ્યાંગો માટે થયેલ સેવકાર્યોને બિરદાવ્યા હતા. કથાના વક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ્ ભાગવત ગીતાના પ્રસંગોનું રસપાન કરાવતા કહ્યું હતું કે સંતાનોએ તીર્થસ્થાન પહેલાં માતા-પિતાની સંભાળ અને સન્માન કરવું જોઈએ અને વૃદ્ધાશ્રમો એ સમાજ પર કલંક સમાન છે. તેમણે સત્સંગતનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ અવસરે સંતો મહંતો અને મહાનુભાવોનું અદાણી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું તેમજ મુંદ્રા તાલુકાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓએ ડૉ. પ્રીતિબેન અદાણીનું સન્માન કરી ફાઉન્ડેશન દ્વારા થતી સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ધાર્મિક આયોજન સાથે ૪૦૦થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ પણ લીધો હતો.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



