GUJARATKUTCHMANDAVI

૨૪ માર્ચ – “વિશ્વ ક્ષય દિવસ”ટીબીના દર્દીઓ ૬-૮ માસની નિયમિત સારવારના અંતે સ્વસ્થ થઇ શકે.

જન્મ વખતે આપવામાં આવતી BCG રસી,માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ તથા ટીબી અટકાયતી સારવારથી આ રોગ મહદ અંશે અટકાવી શકાય છે. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ માર્ચ : “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કોઈપણ નાગરિક કે સંસ્થા ટીબીના દર્દીને દર મહીને રાશન કીટ સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બની શકે છે

દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ગંભીર રોગો પૈકી એક એવા ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતા ટીબી(ક્ષય) ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ૪ થી ૫ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક માઠી અસર થાય છે.આ વર્ષ નું વર્લ્ડ ટીબી દિવસ નું થીમ છે “ YES, WE CAN END TB; Lead by contries,powered by people”.કોરોના મહામારીને પગલે ગત અમુક વર્ષોમાં ટીબીને ડામવાના આપણા પ્રયત્નો માં આવેલી ખોટને છેલ્લા બે-ચાર વર્ષોમાં ફરી અથાક પ્રયત્નો કરી પૂરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આવનારા વર્ષોમાં આનું પૂરેપૂરું વળતર મેળવવા રાષ્ટ્રીય કક્ષાએથી લીડ રોલ નિભાવી અને રાજ્યથી માંડી ગ્રામ્યકક્ષાએ તમામ લોકોની કટીબધ્ધતા , એના માટે ન માત્ર આર્થિક પરંતુ વૈચારિક અને સામાજિક પ્રયત્નો ખુબ જરૂરી છે. તે આ સૂત્રથી આપણી ટીબીના અંતનો સંકલ્પ મજબૂત બને છે. વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS)અંતર્ગત આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે. આપણે ગ્લોબલ ટીબી રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય દેશો(૭-૮%) ની સરખામણી એ બમણો ઘટાડો ૧૫-૨૦% આ રોગની વ્યાપકતામાં નોંધાયો છે ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબર ક્યુલોસીસ હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે. સમાજ સમક્ષ આ રોગના મુખ્ય સુત્રધાર એવા આ બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક કરી હતી. જો કે શરીર ના તમામ અંગોને અસર કરતા આ રોગમાં માત્ર બે અઠવાડિયાથી ચાલતી ખાંસી જ નહિ પરંતુ તાવ,ભૂખ ન લાગવી, વજન ઘટી જવું કે રાત્રીના સમયે કોઈ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ લાંબો સમય ચાલતી કોઈ પણ શારીરિક સમસ્યાનું કારણ ટીબી નથી ને તે ચકાસવું ખૂબ જ આવશ્યક છે.છાતી નો એક્સ- રે અને ગળફાની માઈક્રોસ્કોપથી કે અદ્યતન એવા TRUNATT કે CBNAAT મશીનથી તપાસ દ્વારા ટીબીનું ચોક્કસ નિદાન થયા બાદ રોગ ગ્રસ્ત વ્યક્તિની ઓછામાં ઓછી ૬ માસની સારવાર જરૂરી બને છે. જેમાં દર્દીના શરીરના વજન આધારિત એક જ પ્રકારની ૨ થી ૬ ટેબલેટ્સ લેવી પડે છે. આ તમામ સુવિધાઓ સરકારી આરોગ્ય કેન્દ્રો પર તદ્દન મફત ઉપલબ્ધ છે. આ ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન, એમ .આર. આઈ કે શરીરના કોઈ માંસપેશીઓની બાયોપ્સીથી પણ આ રોગને પકડી શકાય છે. NAAT machine મારફતે નિદાનથી સારવારની શરૂઆતમાં જ સાદો ટીબી છે કે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી તે નક્કી કરી શકાય છે. મતલબ કે પ્રથમ હરોળની દવાઓ દર્દીને અસર કરશે કે અન્ય આધુનિક દવાઓ આપવી પડશે. આમ કરવાથી સારવારની સફળતાનો દર વધે છે અને દર્દીની સાજો થવાની શક્યતાઓ વધી જાય છે.મફત અને ગુણવત્તા યુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટેની નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૦૦૦ પ્રતિ માસ સીધા જ ચૂકવવાની જોગવાઈ કરેલી છે. રોગ પ્રતિકારશક્તિ વધારવાના આ પ્રયાસને વેગવાન બનાવવા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશનો કોઈ પણ નાગરિક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ,સ્વૈચ્છિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહો વગેરે યથાશક્તિ આવા દર્દીને રાશન કીટ દર મહીને સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને છે.ટીબીની સારવાર સાથે અન્ય બીમારી જેવી કે એચ. આઈ .વી અને ડાયાબીટીસની તપાસ પણ કરવામાં આવે છે. ધુમ્રપાન કે મદિરાપાનના વ્યસન ધરાવતા દર્દીઓ ને આ બીમારી વધુ ઘાતક નીવડતી હોઈ તેમાંથી મુક્ત થવા સલાહ અને મદદ કરવામાં આવે છે. સગર્ભાવસ્થા કે સ્તનપાન કરાવતી મહિલાઓને જો આ બીમારી હોવાનું માલુમ પડે તો તે પણ ગર્ભ કે શિશુને કોઈ પણ જાતના નુકસાન વિના આની સારવાર લઇ શકે છે. ખાનગી દવાખાના કે હોસ્પિટલ પણ જો કોઈ વ્યક્તિમાં ટીબીનું નિદાન કે સારવાર શરૂ કરે તો જિલ્લા ક્ષય અધિકારીને તેની જાણકારી આપવી ફરજિયાત છે .આ દર્દી ખાનગી દવાઓ લઇ શકે છે તેમજ સરકારી દવાઓ પણ મેળવી શકે છે. ગ્રામ્યકક્ષાએ આશા ,આશા ફેસીલીટેટર, પુરુષ અને સ્ત્રી આરોગ્ય કાર્યકરો, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સેવા બજાવતા કર્મચારીઓ,આર. બી. એસ. કે ની ટીમો પોતાની ગૃહ મુલાકાતો વખતે કે દર્દી કેન્દ્રો પર આવે ત્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરી કાઉન્સેલિંગ કરે છે. નિયમિત પણે દવાઓ લેવા સમજાવે છે અને સમયાંતરે ફોન દ્વારા કે રૂબરૂ વજન કરીને અને સાદી શારીરિક તપાસ કરે છે. દર્દીના સગાને પણ આવો ચેપ લાગ્યો નથી ને તે બાબતે ડાબા હાથમાં વચ્ચે ચામડી નીચે ટેસ્ટ કરે છે અને જરૂર જણાય તો ટીબી અટકાયતી સારવાર આપે છે. જેથી ભવિષ્યમાં તેઓને ટીબી રોગ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. નિયમિતપણે સારવાર ન લેવામાં આવે તો સાદો ટીબી ગંભીર અવસ્થામાં પરિવર્તિત થઇ શકે છે, જેમાં અત્યંત મોંઘી અને લાંબો સમય દવાઓ લેવી પડે છે. જો કે, હવે નવા બી-પાલ રેજીમથી આવા દર્દી સારવાર પણ ૬ માસની જ શક્ય બની છે. જન્મ વખતે આપવામાં આવતી BCG રસી, માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ અને ટીબી અટકાયતી સારવારથી આ રોગ થતો મહદ અંશે અટકાવી શકાય છે. જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો. મનોજ દવેએ જણાવ્યું હતું કે, ટીબીથી સાજા થઇ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જન જાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમાં ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે.જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમયાંતરે ટીબી ફોરમની મીટીંગ કરવામાં આવે છે . ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે કચ્છમાં ૧૦૬ આવા પ્રમાણપત્રો અપાશે.કચ્છ જિલ્લામાં મેડિકલ કોલેજથી માંડી ૧૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો અને સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને ગત વર્ષે આશરે ૬૦૦૦૦ થી વધુ જેટલા ગળફાની તપાસ તથા તેટલા જ મોબાઈલ ડીજિટલ આર્ટીશીયલ ઇન્ટેલિજન્સ સગવડ વાળા અને સાદા X RAY મારફતે કુલ ૩૦૦૦ દર્દીઓનું નિદાન કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૪ના નોંધાયેલા દર્દીઓ પૈકી ૯૨%દર્દીઓ સાજા થઇ જાય છે, અમુક દર્દીઓ સારવાર અધુરી છોડે છે અથવા ગંભીર ટીબીની સારવાર પર મુકાય છે જેની સંખ્યા લગભગ ૮૦-૯૦ જેટલી હોય છે. દર વર્ષે ૧૦૦ જેટલા ૧૫ વર્ષથી નીચેના બાળ દર્દીઓ પણ નોંધાય છે, જયારે સ્ત્રી દર્દીઓ કુલ પૈકી ૩૫% જોવા મળે છે. ઓછું વજન ધરાવતા,અન્ય બીમારીથી ગ્રસ્ત,મદિરા સેવન કે ધુમ્રપાન કરનારા, અધુરી સારવાર છોડી જનારાઓમાં જ આ રોગ જીવલેણ નીવડવાની શક્યતા વધુ હોય છે. બાકીના તમામ દર્દીઓ ૬-૮ માસની સારવારના અંતે સાજા થઇ જાય છે અને સામાન્ય જીવન વિતાવે છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ દર્દીના સંપર્ક ધરાવતા વ્યક્તિઓ ટીબી અટકાયતી સારવાર લઇ ચૂક્યા છે જેમાં માત્ર ૧૨ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ડોઝ લેવાનો રહે છે. હાલ કચ્છમાં ૧૪૮૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી ૧૧૬ ગંભીર પ્રકારના દર્દીઓનો સમાવેશ થાય છે. વિતેલા વર્ષોમાં કચ્છમાં સાંસદશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યોશ્રીઓ અને તમામ ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને અન્ય હોદેદારો, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરણા,મદદ અને માર્ગદર્શન તથા ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ તથા ખાનગી હોસ્પિટલ અને ડોકટરો, આયુર્વેદ હોસ્પિટલ, મીડિયા તથા લોકોના સાથ સહકારથી લક્ષ્યાંકો પાર પાડવામાં મદદ મળી છે. આ ટીબી રૂપી રાવણનો વધ કરવામાં તમામની કોઈને કોઈ ભૂમિકા ચોક્કસ રહી છે.

Back to top button
error: Content is protected !!