ગાંધીધામના આંગણવાડી કેન્દ્રમાં મેડિકલ કેમ્પ યોજાયો : આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૩ સપ્ટેમ્બર : કચ્છ વિવિધ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી નિમિત્તે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના સંકલનથી ગ્રામ્ય અને આંગણવાડી સ્તરે તંદુરસ્ત જીવન શૈલી માટે યોગ શિબિર, આહારની વાનગીઓની હરીફાઈ, સામૂહિક પોષણ શપથ, પોષણ ક્વિઝ, ચિત્ર સ્પર્ધા,પોષણની રેલી જેવી જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ગાંધીધામમાં ICDS તથા આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. મિતેષ ભંડેરી તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. દિનેશ સુતરીયાના માર્ગદર્શન હેઠળ ગણેશનગરના સબ સેક્ટર ૬ના આંગણવાડી કેન્દ્ર ૮ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ – ૨ ના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. ખુશાલીબા ગોહિલ દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયા સાથે પોષણ માસની ઉજવણી અંતર્ગત તંદુરસ્ત જીવન શૈલી અંગેની સમજ આપવામાં આવી. આ સાથે જ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત આંગણવાડીઓના લાભાર્થીઓને સ્ટેપ મુજબ હાથ ધોવાની રીત વિશે સમજ આપવામાં આવી હતી.આ કેમ્પના મુખ્ય અતિથિ ગણેશનગર વોડ ૧૩ના પ્રભારી મંત્રીશ્રી સુરેશભાઈ ધુવા અને કાઉન્સિલર મનિષાબેન ધુવા દ્વારા મહિલાના સ્વાસ્થ્યનો પરિવાર અને સમાજ પર પડતા પ્રભાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ જેવી આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી તથા મહિલાઓને માસિક અંગે માર્ગદર્શન, માનસિક આરોગ્ય અને મેદસ્વિતા ઘટાડવા સાથે પોષણક્ષમ આરોગ્ય વિષયક માહિતી અપાઈ હતી. કેમ્પમાં આવેલ ૨૮ લાભાર્થીનું ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં RBSK ડો. ભરત બલદાણીયા, એસ.એન અંબિકાબેન મનાત, એમ.પી.એચ.એસ યોગેશભાઈ માલિવાડ, એલ.ટી નયનાબેન ચાવડા, MPHW સચિન પરમાર, અક્ષય પરમાર, પર્વત તાવિયાડ, અજય સોલંકી, FHW ઉર્વશીબેન નિનામા અને સુલોચનાબેન ડામોર તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.