વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૦૨ ઓક્ટોબર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિવિધ તાલુકા આરોગ્ય મંદિર ખાતે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ કચ્છમાં રતનાલ, સોનલનગર, લાકડીયા, નાના ભાડિયા ખોખરા તેમજ સાયરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મેડીકલ કેમ્પ યોજાયા હતાં. કેમ્પમાં નિષ્ણાંતો અને આરોગ્ય સ્ટાફે સેવા આપી હતી જેનો બહોળી સંખ્યામાં મહિલાઓ તરૂણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો.કેમ્પમાં કિશોરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્યની તપાસ, ગર્ભવતી મહિલાઓની તપાસ, ટી.ડી રસીકરણ, આંખની તપાસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ, ૦થી ૫ વર્ષના બાળકોની તપાસ તથા દવા પૂરી થયેલ કોક્સ દર્દીના વજન, ઉંચાઈની ચકાસણી કરવામાં આવી હતી તેમજ પી.એમ.જે.એ.વાય અને આભા કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન વિશે મહિલાઓને માહિતી અપાઈ તથા ડાયાબિટિક દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાકડીયા સેજાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા વાનગી નિર્દેશન પણ રાખવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પોમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, CHO, FHW, MPHW, આશાવર્કર બહેનો, ડૉક્ટરો, લેબ ટેકનિશીયન સહિતના લોકો હાજર રહ્યા હતાં.