હાલોલ -પાવાગઢ આવનાર ભાવિકોને હવે ડોરમેટરી ની સુવિધા મળશે, ચૈત્રી નવરાત્રીથી પ્રારંભની શક્યતા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૩.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવતાં ભાવિક ભક્તોની સુવિધામાં મંદિર ટ્રસ્ટ વધારો કરવા જઈ રહ્યું છે. જેમાં ડુંગર પર દુધિયા તળાવ ખાતે શ્રીફળ સ્ટેન્ડની નજીક અંદાજિત ૧૫, કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અન્નક્ષેત્ર તેમજ ભક્તોને રાત્રી રોકાણ માટે ડોરમેટરી સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ હોય લગભગ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાના રોજ થી ભક્તો માટે આ સુવિધા ખુલ્લી મુકવામાં આવનાર હોવાની સંભાવનાઓ જણાઈ આવે છે.શક્તિપીઠ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન અંદાજિત અડધો કરોડ ઉપરાંત ભાવિક ભક્તો ગુજરાતમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી જગત જનની ના આશીર્વાદ લેવા આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રિ આ ઉપરાંત રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય માઇ ભક્તો આ સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે.ત્યારે છેલ્લા ઘણા વર્ષો થી પાવાગઢ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ભક્તોની સુવિધા અર્થે ઘણા બધા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.જે પૂર્ણ થતાં ભક્તોની સુવિધામાં ચોક્કસપણે વધારો થયો છે.જેમાં મંદિર પરિસર પહોળું કરવું તેમજ સુવર્ણ કળશ થી સુશોભિત શિખર બંધ મંદિર તૈયાર થતાં પ્રધાનમંત્રી દ્વારા શિખર પર ધ્વજા રોહણ બાદ ભક્તોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.દુધિયા તળાવ ખાતે આકાર પામેલ અન્નક્ષેત્ર ત્રણ માળનું બનાવવામાં આવ્યું છે.જેમાં બેઝમેન્ટ માં સ્ટાફ તેમજ માલસામગ્રી રાખવાનો સ્ટોર બનાવવામાં આવ્યો છે.જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ડોરમેટરી બનાવવામાં આવી છે.જયાં યાત્રીકોને રાત્રી રોકાણ કરવા માટે ની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.જ્યારે ફર્સ્ટ ફ્લોર ખાતે અન્નક્ષેત્ર જેમાં ભક્તો જેમાં ભક્તો સીધા શ્રીફળ સ્ટેન્ડ થી અન્નક્ષેત્ર જઈ શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે પ્રાથમિક તબક્કે જાણવા મળતી માહિતી મુજબ આ અન્નક્ષેત્ર ખાતે સવારમાં ભક્તોને ચા, નાસ્તો તેમજ બપોરે જમવાનું જ્યારે રાત્રે જરૂરિયાત મુજબ જમવાની વ્યવસ્થા તમામ પ્રકારના વર્ગના ભક્તોને પોષાય તેવા ટોકન ચાર્જીસમાં કરવા માં આવનાર હોવાનું જાણવા મળે છે.