
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું

અરવલ્લી : ભિલોડા ખાતે નર્સિંગના વિદ્યાર્થી પર થયેલા હુમલાના ગંભીર બનાવના વિરોધમાં આજે મેઘરજ તાલુકો સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યો હતો. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને મેઘરજના વેપારીઓએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, આર.જી. બારોટ કોલેજના સંચાલક દેવાંગ બારોટ સામે વિદ્યાર્થી પર મારામારી કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. ભાજપ યુવા મોરચાના આગેવાન દેવાંગ બારોટ પર ગંભીર આરોપો લાગ્યા બાદ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટનાને પગલે આજે મેઘરજ તાલુકાના બજારો, દુકાનો અને વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. વહેલી સવારથી જ મુખ્ય બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આદિવાસી સમાજના આગેવાનો અને સંગઠનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં છે.





