
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ઢેકવા ગામે મારામારી, લૂંટ અને હુમલાનો ગંભીર આક્ષેપ; 8 નામજોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે પોલીસ કાર્યવાહીની માંગ – વિડિઓ વાયરલ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામમાં મારામારી અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. કટારા લાલાભાઈ કાન્તીભાઈએ ઈસરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી 8 નામજોગ તેમજ અન્ય પાંચ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, 27 જુલાઈ 2026ના રોજ સાંજે આશરે 4 વાગ્યે ફરિયાદીના પિતરાઈ ભાઈ દિનેશભાઈ રમણભાઈ કટારા પોતાના ઘરે આરામ કરી રહ્યા હતા ત્યારે આરોપી ભાવેશભાઈ રમેશભાઈ ભગોરા તથા અન્ય એક અજાણ્યો શખ્સ ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદમાં આરોપ છે કે બંનેએ દિનેશભાઈ પાસે પૈસાની માંગણી કરી હતી અને ઇનકાર કરતા તેમના પર લાકડી તથા ચપ્પા સાથે હુમલો કરી મારપીટ શરૂ કરી હતી.દિનેશભાઈ બુમાબુમ કરતાં બચવા માટે ભાગી ગયા હતા. દરમિયાન ફરિયાદીના કાકા રમણભાઈ સ્થળે પહોંચ્યા ત્યારે અન્ય આરોપીઓ દિનેશભાઈના ઘર પર પથ્થરમારો કરી રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ફરિયાદી લાલાભાઈ કટારા દિનેશભાઈને બચાવવા માટે પાછળ ગયા ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લીધા હોવાનો આરોપ છે. અરજી મુજબ, આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો અને એક અજાણ્યા શખ્સે તેમનું પાકીટ કાઢી તેમાં રહેલા ₹ 700 રોકડા લઈ લીધા હતા.ઘટના દરમિયાન અરુણાબેન કનુભાઈએ વચ્ચે પડી ફરિયાદીને છોડાવવા પ્રયાસ કર્યો હતો અને મોબાઇલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરતાં આરોપીઓએ તેમના પર પણ હુમલો કરી ગાળો આપી મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં આરોપીઓને માથાભારે અને કાયદો હાથમાં લેતા લોકો ગણાવી તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજીની નકલો ડી.એસ.પી., એસ.પી., મામલતદાર, ડીજીપી તથા રાજ્યના ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.




