
ગ્રામ જીવન યાત્રા–2025 અંતર્ગત વિજાપુર લાડોલની શાળામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ સાથે સ્વદેશી–સ્વાવલંબનની ગૂંજ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ગ્રામ જીવન યાત્રા–2025 ના સમાપન કાર્યક્રમ અંતર્ગત વિજાપુર લાડોલ ગામની શ્રી ડી.એમ. પટેલ હાઈસ્કૂલ અને શ્રી બી.એસ. પટેલ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ હતી.
શ્રી ડી.એમ. પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ષાબેન જોશીએ વિદ્યાર્થીઓને સ્વદેશી જીવનશૈલી, સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારત અંગે પ્રેરણાદાયી માહિતગાર કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાને લેતા સ્થાનિક ઉત્પાદન, ગ્રામિણ હસ્તકલાનું મૂલ્ય અને સ્વદેશી સામગ્રીના ઉપયોગની જરૂરીયાત પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમને આગળ ધપાવતા શ્રી બી.એસ. પટેલ કન્યા વિદ્યાલયની વિધાર્થિનીઓ અને સ્ટાફ દ્વારા ગામમાં પ્રેરણાદાયક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વદેશી અપનાવો – દેશ બચાવો”ના ગુંજતા નાદ સાથે રેલી ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ ગ્રામજનોને સ્વદેશી ઉત્પાદન ખરીદવા પ્રોત્સાહિત કરી રહી હતી. રેલીને ગ્રામજનો તરફથી સારી પ્રતિસાદ અને પ્રોત્સાહન મળ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખશ્રીએ બંને શાળાના આયોજકો, શિક્ષકમંડળ અને વિદ્યાર્થીઓના ઉમદા પ્રયાસોને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






