ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા હેલ્થ ચેક કેમ્પ યોજાયો.
ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા બિરદાવતા પત્રકારશ્રીઓ.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા ખાતે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ની ભાવના અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એકસરે અને ઈ.સી.જી.ને આવરી લઈને કરવામાં આવી હતી. સવારથી બપોર સુધી ચાલેલુ આ મીડિયા હેલ્થ ચેકઅપ મહેસાણા ઉંઝા હાઇવે સ્થિત IMA હોલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં તાલીમબદ્ધ ટીમે સેવાઓ આપી હતી. રાજ્ય સરકારના દિશાનિર્દેશો હેઠળ માહિતી ખાતું રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની મીડિયા આરોગ્ય સંભાળ શિબિરો યોજવાનું આયોજન કરી રહ્યું છે. પત્રકારોની આરોગ્ય તપાસ માટે ‘ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા અંતર્ગત આજરોજ હાથ ધરવામાં આવેલ હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમને ઉપસ્થિત પત્રકારશ્રીઓએ બિરદાવ્યો હતો
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એકસરે અને ઈ.સી.જી કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં મહેસાણા જિલ્લાના ૨૫ થી વધુ પત્રકારમિત્રોએ ભાગ લઇ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નોર્થ ગુજરાતના ઝોનલ ચેરમેનશ્રી ડૉ.અનિલ નાયક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મહેસાણાના ચેરમેનશ્રી ડૉ.વિષ્ણુભાઈ પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્ર કડિયા તથા IMAના પ્રેસિડેન્ટ, સેક્રેટરી સહિતની ટીમ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.