MEHSANAVIJAPUR

વિજાપુર પાલિકાની સામાન્ય સભામાં 30 મુદ્દાઓને મંજૂરી, અશાંતધારા મુદ્દે કોંગ્રેસના ચાર સભ્યોનો વિરોધ

વિજાપુર પાલિકાની સામાન્ય સભામાં 30 મુદ્દાઓને મંજૂરી, અશાંતધારા મુદ્દે કોંગ્રેસના ચાર સભ્યોનો વિરોધ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે 11 કલાકે પાલિકા સભાખંડ ખાતે પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી. શહેરના વિકાસ, પાણી પુરવઠા, સફાઈ, ગટર યોજના, જાહેર સુવિધાઓ અને વહીવટી કામગીરીને લગતા કુલ 30 જેટલા મહત્વના મુદ્દાઓ સાથે ના એજન્ડા સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સાતેય વોર્ડના કુલ 28 સભ્યો હાજર રહ્યા હતા.
સભામાં વિવિધ સમિતિઓની રચના, નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજના, સફાઈ કામદારોની ભરતી, પંચવટી હેડવર્ક્સ ખાતે નવી ટ્યુબવેલ, જાહેર શૌચાલયોના રિનોવેશન, પાણી પુરવઠા પ્રોજેક્ટ, સિનિયર સિટીઝન પાર્ક, ફાયર શાખાની ખરીદી સહિતના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
જોકે શહેરમાં અશાંતધારા લાગુ કરવા અંગેના ઠરાવ વખતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ચાર સભ્યોએ અશાંતધારા લાગુ કરવાના પ્રસ્તાવનો વિરોધ નોંધાવી પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. સભ્યોના જણાવ્યા મુજબ આ મુદ્દે વધુ ચર્ચા અને કાયદાકીય સ્પષ્ટતાની જરૂર હોવાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
અશાંતધારા ના મુદ્દામાં કોંગ્રેસ ના ચાર સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો.બાકીના 29 મુદ્દાઓને હાજર 28 સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. પરિણામે શહેરના વિવિધ વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયાઓને આગળ વધારવા માટે પાલિકાને લીલી ઝંડી મળી છે.
સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કાઉન્સિલર તનઝીલઅલી સૈયદ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં અશાંતધારા લાગુ કરવા સંબંધિત ઠરાવની કાયદેસરતા સામે વાંધો ઉઠાવી તેની અમલવારી સ્થગિત કરી ઠરાવની કાયદાકીય સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!