
વિજાપુરના વડાસણ પાસે પગપાળા સંઘ ને વળાવવા ગયેલા આધેડ નુ પાછળથી કારની ટક્કર વાગતા મોત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વડાસણ ગામની સીમમાં વડાસણથી દગાવાડીયા તરફ જતા હાઇવે રોડ પર રણુજા જવા નીકળેલા પગપાળા સંઘમાં સામેલ 56 વર્ષીય આધેડને પાછળથી પૂરઝડપે આવેલી કારના ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મહેસાણા ખાતે મોત થતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો ની મળતી માહિતી મુજબ,ગત તા. 12 ઓગસ્ટના રોજ સાંજના આશરે ચાર વાગ્યે ગેરીતા ગામમાંથી આશરે 75 જેટલા લોકો રણુજા જવા પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા. સંઘને વળાવવા માટે ગામના અન્ય લોકો પણ તેમની સાથે જોડાયા હતા. દરમિયાન સાંજે આશરે સાત વાગ્યાના સુમારે વડાસણ ગામની સીમમાં હાઇવે રોડની સાઇડ પરથી નરેન્દ્રસિંહ ચૌહાણ, મનુજી ઠાકોર અને જેસલજી ઠાકોર ચાલતા જતા હતા.
તે સમયે પાછળથી આવેલી સફેદ રંગની હ્યુન્ડાઇ આઇ-10 કાર નંબર GJ-02-CG-8706ના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી મનુજી ઠાકોરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના પગલે મનુજી ઠાકોર રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા સહિત શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ કાર ચાલકે રોડની સામેની બાજુ જઈને કાર ઊભી રાખી હતી. સાથે ચાલતા લોકોએ કારનો નંબર નોંધ્યો હતો અને ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મહેશભાઈ ચૌધરી, રહે. કામલપુર ગોઠવા, તા. વિસનગર,વાળા હોવાનું જણાવ્યું હતું.
ઇજાગ્રસ્ત મનુજી ઠાકોરને સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે રાત્રે આશરે 8:45 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદમાં કારચાલક અકસ્માત સમયે દારૂના નશામાં હોવાનું જણાતું હોવાનો પણ ફરીયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેનું બ્લડ સેમ્પલ લેવા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે.
મૃતક મનુજી બાબુજી છગાજી ઠાકોર (ઉં.વ. 56), રહે. રાણાજીનગર ગેરીતા આશ્નાપુર વિજાપુર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે નરેન્દ્રસિંહ દશરથજી ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે કારચાલક મહેશભાઈ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




