MEHSANAVIJAPUR

આત્મહત્યાના આરે પહોંચેલા યુવકનો વિજાપુર પોલીસે બચાવ્યો જીવ ઈ-મેઇલથી આત્મહત્યાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી; કાઉન્સેલિંગ કરીને દુઃખદ ઘટના ટાળી

આત્મહત્યાના આરે પહોંચેલા યુવકનો વિજાપુર પોલીસે બચાવ્યો જીવ
ઈ-મેઇલથી આત્મહત્યાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી; કાઉન્સેલિંગ કરીને દુઃખદ ઘટના ટાળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસે સમયસૂચકતા, સંવેદનશીલતા અને ઝડપી કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આત્મહત્યા કરવા નીકળેલા એક યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી છે. યુવકે પોતાના જીવનનો અંત લાવવાનો ઈરાદો દર્શાવતો ઈ-મેઇલ મોકલતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું અને સમયસર પહોંચી યુવકને સમજાવી દુર્ઘટના અટકાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ ફરજ પર હાજર હતા. તે દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી જાણ કરવામાં આવી કે એક વ્યક્તિએ મહેસાણા એસ.પી. કચેરીના ઈ-મેઇલ પર પોતાની જીવનલીલા સમાપ્ત કરવાની તૈયારી હોવાનું લખીને સંદેશ મોકલ્યો છે.
પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી યુવકની ઓળખ મણીપુરા ગામના પટેલ જીગ્નેશકુમાર મુકેશભાઈ તરીકે કરી હતી. મોબાઇલ લોકેશનના આધારે તે પોતાના ઘરે એકલો હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમ વિલંબ કર્યા વિના મણીપુરા પહોંચી હતી.
પોલીસે યુવકના મિત્ર વિષ્ણુભાઈ પટેલને સાથે રાખી યુવકનું કાઉન્સેલિંગ કર્યું, તેની સમસ્યાઓ જાણી તેને હિંમત આપી અને કોઈપણ પરિસ્થિતિમાં આત્મઘાતી પગલું ન ભરવા સમજાવ્યું. સાથે જ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો સીધો વિજાપુર પોલીસ સ્ટેશન અથવા પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસની આ સંવેદનશીલ કામગીરીના કારણે એક અમૂલ્ય જીવ બચી ગયો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બળદેવસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ પરબતસિંહ, સંદીપકુમાર કીરણભાઈ, અતુલકુમાર બાબુભાઈ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વજેસિંહ કચરાજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!