
વિજાપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા, લાડોલ રોડ પર ઝાડ પડતાં ટ્રાફિક જામ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને તમાકુ તથા ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો પર કુદરતી આફતનો ડબલ માર પડ્યો છે. એક તરફ પાકને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બીજી તરફ હવામાનના અનિશ્ચિત ફેરફારોને કારણે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વાવેતર માટે કરવામાં આવેલ દવા અને બિયારણનો ખર્ચ પણ હાલમાં વસૂલ થતો નથી. વારંવાર હવામાન બદલાતાં પાકની ગુણવત્તા પર અસર પડી રહી છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વધતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન, વિજાપુરના લાડોલ રોડ પર ભારે પવન ફૂંકાતા એક ઝાડ રોડ વચ્ચે પડી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઝાડ પડવાથી બંને તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પછી સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને રોડ પરથી ઝાડ દૂર કરવામાં આવતા ટ્રાફિક ફરી સામાન્ય બન્યો હતો.




