
વિજાપુરમાં હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા શહેર સહિત સમગ્ર જિલ્લામાં હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ જીલ્લા કમાન્ડન્ટ ભાવેશભાઈ શેઠના સૂચન મુજબ તેમજ તાલુકા ઓફિસર કમાન્ડર આર. એન. મકવાણા ની આગેવાની હેઠળ ભવ્ય રીતે ઉજવાયો હતો. તાલુકા મથક ખાતે સ્વચ્છતા અભિયાનથી લઈને બાઈક રેલી સુધી અનેક સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગીતા દર્શાવી હતી.
હોમગાર્ડ રક્ષક દળ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સાથે જ વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે યુનિટના જવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના આ દિવસ નિમિત્તે જવાનો દ્વારા બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન આર. એન. મકવાણા દ્વારા હરિ ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું.
બાઈક રેલી બસ સ્ટેશન, ટીબી હોસ્પિટલ રોડ, હાઇવે રોડ સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. બેનરો તથા દળના સંદેશાવાહક સૂત્રો સાથે નીકળેલી રેલીને નાગરિકોએ વધાવી લીધી હતી. આ કાર્યક્રમનું આયોજન સહકારકુન શૈલાનખાન પઠાણ તથા તમામ એનસીઓ પરેડ ઇન્સ્પેક્ટર દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસ નિમિત્તે યુનિટના જવાનો તેમજ તાલુકા ઓફિસર આર. એન. મકવાણા દ્વારા હાઇવે સ્થિત સરદાર પટેલની પ્રતિમાને તથા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર જી ના ફોટાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. ચૂંટણી, રાષ્ટ્રીય પર્વો તેમજ આપત્તિકાળ દરમિયાન પણ સતત સેવા આપતા હોમગાર્ડ જવાનોને સ્થાપના દિવસના અવસર પર એક સલામ તો બને જ છે.




