આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો મહેસાણા ખાતે યોજવામાં આવ્યો
પાપા પગલી યોજના અંતર્ગત મેળો યોજાયો.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો ભીમેશ્વર મહાદેવ હોલ, મહેસાણા ખાતે યોજાયો હતો.
આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.હસરત જૈસ્મીને પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે મહેસાણા ખાતે યોજાએલા ભૂલકા મેળોમાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શનીને પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જોઈ હતી. આંગણવાડીના બાળકો અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ જેવી કે સ્વાગત ગીત, પપેટવાર્તા, નાટક , પ્રદૂષણ હટાવો એકાકી, પોષણ ખોરાકના નૃત્ય ગીતો ,વાર્તાઓ પ્રસ્તુત કરી હતી.
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતુ કે, આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. બાળકો પરિવારથી દૂર આંગણવાડીએ આવે અને તેમનો આઈ.ક્યુ (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ), ઈ.ક્યુ(ઈમોશનલ ક્વોશન્ટ) અને એસ.ક્યુ (સોશિયલ ક્વોશન્ટ) વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો પાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનો છે. ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી ઘનશ્યામદાન ડોકટર પણ છે જેનો આરોગ્યલક્ષી લાભ આંગણવાડી ,તેના તેડાગરો ,કાર્યકરો અને બાળકોને પણ મળશે,
આઈ.સી.ડી.એસ. ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી ઘનશ્યામદાન ગઢવીએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે , વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ સહિત વિવિધ ૧૭ થીમ સાથે આંગણવાડીના કાર્યકરો અને બાળકો દ્વારા માહિતી પ્રદશની પણ મેળામાં છે.આ મેળામાં બાળકો ઉત્સાહભેર સહ્ભાગી બન્યા હતા.
આઈ.સી.ડી.એસ.ની પાપા પગલી યોજના અંતર્ગત યોજાએલા બાળકોની સર્જનાત્મક્તાનો તહેવાર ભૂલકાં મેળામાં જિલ્લા અને તાલુકાના સીડીપીઓ, કાર્યકરો ,તેડગરો અને બાળકો લાભાર્થીઓ તેમજ જિલ્લા પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.