
વિસનગરમાં ગંગાસ્વરૂપા બહેનોના સશક્તિકરણ માટે બચત મંડળનો પ્રારંભ
જીતુભાઈ તિરૂપતિની આગેવાની હેઠળ અનોખી પહેલ, મહિલાઓએ લીધા સામાજિક અને પર્યાવરણીય સંકલ્પો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સમાજમાં ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવી આત્મસન્માનભેર જીવન જીવવા માટે વિસનગરમાં “હીરામોતી ભીલ મહિલા બચત મંડળ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંડળની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
પરિવારના બે સ્વર્ગસ્થ બાની સ્મૃતિમાં શરૂ કરાયેલા આ મંડળ દ્વારા ગંગાસ્વરૂપા બહેનોના સુરક્ષા, આત્મસન્માન, સ્વાવલંબન અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર આયોજન અને પ્રાયોજકત્વ તિરુપતિ ફાઉન્ડેશન-વિસનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત બહેનો અને આગેવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા સાથે દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ તિરૂપતિએ મહિલાઓને બચતનું મહત્વ સમજાવતાં તેમને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
ઉપસ્થિત મહિલાઓએ દર વર્ષે વૃક્ષારોપણ કરવું, પાણી અને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, કચરો કચરાપેટીમાં જ નાંખવો, અન્નનો બગાડ અટકાવવો તેમજ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે તિરુપતિ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગંગાસ્વરૂપા બહેનોના કલ્યાણ અને સશક્તિકરણ માટેનો આ એક અનોખો પ્રયોગ છે, જે આગામી સમયમાં અનેક મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.




