હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓનો ડંકો વાગશે!!!
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા જીલ્લા નામાં સીઇટી પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ એ ગત વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ શાળાઓનું ડીડીઓ દ્વારા સન્માન થયું હતુ આ આવખતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પછી રાજ્યમાં શૈક્ષણિક ગુણવત્તા સુધાર માટે ઘણા નવીન પ્રકલ્પોનું અમલીકરણ થયું છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ તેના સઘન અમલીકરણ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ખૂબ અસરકારક પ્રયત્નો થઈ રહ્યા છે. ધોરણ-૫ થી જ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સફળતા મેળવે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ “PROJECT GIFT” અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષે પણ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના ધોરણ-૫ના વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે વિશેષ તૈયારી કરાવવામાં આવેલ. જેના પરિણામ સ્વરૂપે ગત વર્ષ કરતાં વધુ ૬૧૮ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી મુખ્યમંત્રી મેરીટ સ્કૉલરશીપ માટે પસંદગી પામ્યા હતા. ચાલુ વર્ષે પણ આ સિલસિલો ચાલુ રહે અને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા અને સમગ્ર શિક્ષા, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સાર્વજનિક કેમ્પસ,મહેસાણા ખાતે જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બી.આર.સી.,સી.આર.સી.કો.ઓ.માટે Orientation Cum Capacity Building Workshop યોજાયો. જેમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી રીતે તૈયાર કરવા તેનું ચિંતન થયુ હતું. વર્ગ શૈક્ષણિક કાર્ય દરમિયાન જ વિદ્યાર્થીઓને લર્નિંગ આઉટકમ આધારિત શિક્ષણ આપી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવી શકાય તે માટેનું વિશેષ માર્ગદર્શન અમદાવાદ મહાનગરપાલિકાના મદદનીશ શાસનાધિકારી ડૉ.દિનેશભાઇ દેસાઈએ આપ્યું. તેમણે વિદ્યાર્થીઓની બૌધ્ધિક ક્ષમતા વધારવા માટેની વિવિધ ટિપ્સ આપી વર્ગવ્યવહાર માટેની વિવિધ પેડાગોજી બાબતે વિશેષ સમજ આપી. નવા નદીસર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાકેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે ભાષા કેવી રીતે સરળતાથી શીખવી શકાય તેની ઉદાહરણસહ સમજ આપવામાં આવી. જીસીઈઆરટી, ગાંધીનગરના રિસર્ચ એસોસીયેટ ડૉ. ભાર્ગવભાઈ ઠક્કરે પાઠ્યપુસ્તકના અસરકારક ઉપયોગ બાબતે અને ડૉ. પંકજભાઈ પરમારે એન.એ.એસના જિલ્લાના પરિણામો બાબતે માર્ગદર્શન આપ્યું. ડીપીઈઓ ડૉ.શરદભાઈ દ્વારા ચાલુ વર્ષે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને લર્નિંગ આઉટકમ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવવી તેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે ગત વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૩૧ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓનું મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મિન તેમજ ડીપીઈઓ ડૉ.શરદભાઈ ત્રિવેદી અને સાર્વજનિક કેમ્પસના ટ્રસ્ટી મિલનભાઈ ચૌધરી દ્વારા શિલ્ડ, ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડીડીઓ ડૉ. હસરત જાસ્મિને સીઈટી પરીક્ષામાં જિલ્લાએ મેળવેલ ઉત્કૃષ્ટ પરિણામ માટે જિલ્લાના શિક્ષણ પરિવારને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોતાના શિક્ષક તરીકેના અનુભવો જણાવી પીએમ પોષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે શિલ્ડ અને ટ્રોફી આપનાર વિજાપુરના શ્રી સચીનભાઈ પટેલનું પણ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મિન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . ચા,નાસ્તા,ભોજન સહિતની તમામ વ્યવસ્થા સાર્વજનિક કેમ્પસના ટ્રસ્ટી મિલનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.