વિજાપુર એપીએમસી માં ચેરમેન પદ માટે રાજુ ભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે બચુભાઇ પટેલ સર્વાનુમતે ચૂંટાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં અઢી વર્ષની મુદત પૂરી થતાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સોમવારે એપીએમસી હોલ ખાતે યોજાઈ હતી. પૂર્વ ચેરમેન કાન્તિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન દશરથભાઈ પટેલની મુદત સમાપ્ત થતાં, નવા નેતૃત્વની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજ સિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં વેપારી પેનલ અને ખેડૂત પેનલમાંથી ચૂંટાયેલા કુલ 19 ડિરેક્ટરો રહ્યા હતા. ચૂંટણીની અધિકારીએ પ્રક્રિયા શરૂ કરતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આ વખતે સત્તાનું સંતુલન જાળવતું નેતૃત્વ પસંદ કરવામાં આવતા ચેરમેન પદ માટે રાજુ ભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે બચુ ભાઈ પટેલ પસંદ કરવામાં આવતા કોઈ પણ વિરોધ વગર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ચૂંટણી અધિકારીએ ચેરમેન પદ માટે રાજુભાઈ પટેલ (ખેડૂત પેનલ) અને વાઇસ ચેરમેન પદ માટે પીઆઈ પટેલના સમર્થક અને તમાકુના જાણીતા વેપારી બચું ભાઈ પટેલ (વેપારી પેનલ)ને સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ વરણીમાં ભાજપે ખેડૂત અને વેપારી બંને હિતોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવો સંતુલિત નિર્ણય લીધો હતો.નવા ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન બચુભાઈ પટેલ બંને અગ્રણીઓ ખેડૂત અને વેપારી હિતોનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી, એપીએમસીના વિકાસને નવી દિશા મળશે તેવી આશાઓ ખેડૂતો અને વેપારીઓ માં બંધાઈ હતી.આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સી.જે ચાવડા સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સમર્થકો હાજર રહ્યા હતા. ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન બચુભાઈ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આ વિજયી ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.