
વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં રોડ સેફટી અંગે જાગૃતિ કાર્યક્રમ
વિજાપુર શહેરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે સમજ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આયોજિત કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.એસ. પટેલ અને પ્રા. ડૉ. પી.એમ. પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રિન્સિપાલ ડૉ. એસ.એસ. પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે વધતા માર્ગ અકસ્માતો ચિંતાજનક છે અને નાની બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તેમણે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ગતિમર્યાદાનું પાલન તથા ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા ખાસ ભાર મુક્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જાગૃતિ અને માર્ગ સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ થયો હતો.





