વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દુર્લભ પ્રજાતિનો “સ્લેન્ડર કોરલ સ્નેક” સાપ જોવા મળ્યો હતો. જે સાપને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના સભ્ય દ્વારા રેસ્કયુ કરીને સહિ સલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આહવા ખાતે આવેલ ડુંગરી ફળિયામાં રહેતા રિતેશભાઈ મનસુખભાઈ ચૌર્યાના ઘરે સાપ નજરે પડ્યો હતો.જે બાદ તેમણે વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ, નવસારી, વિભાગ આહવાના સભ્ય સંદીપકુમાર કોંકણીને સંપર્ક કર્યો હતો.જેથી તેઓ પોતાના સાથી મિત્ર આશિષભાઈ શેન્ડે સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને સાપનું સહી સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ.ત્યારે સંદીપકુમાર કોંકણીએ જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લામાં આ સાપને બીજી વાર રેસ્કયુ કર્યો છે. આ સાપને અંગ્રેજીમાં “સ્લેન્ડર કોરલ સ્નેક” અને ગુજરાતીમાં “પાતળો પ્રવાળ સાપ ‘ ના નામે ઓળખવામાં આવે છે. આ સાપ ભારત દેશનો સૌથી નાનામાં નાનો અને દુર્લભ પ્રજાતિનો જે જંગલમાં રહેવાવાળો ઝેરી સાપ છે.તેમજ આ સાપનું રહેઠાણ મોટાભાગે ભેજ વાળી જમીન અને પાંદડાઓના કચરામાં હોય છે. તેનો મુખ્ય ખોરાક ઉધઈ, અંધ સાપ એટલે કે કૃમિ સાપ, ગરોળી તથા જીવ જંતુઓના ઈડા છે. લોકો ભયભીત થઈને તેને મારી નાખે છે જેથી તેઓએ ઉપસ્થિત લોકોને સાપ વિશે જાણકારી આપી ભયમુકત કર્યા હતા. સાથે જ આવા સાપ કે વન્યજીવ ઘરોમાં દેખાય કે ઘાયલ અવસ્થામાં નજરે પડે તો મારશો નહિ અને કોઈ પણ જાતના ભય વગર વન વિભાગનો અથવા તેમના જેવા વાઈલ્ડ લાઈફ રેસ્કયુરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.