વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સર્વગ્રાહી સમીક્ષા માટે સ્થાનિક અધિકારીશ્રીઓ, ખેડૂતો સાથે સંવાદ કરીને વિગતો મેળવતી દિલ્હીની કેન્દ્રીય ટીમ.
ભુજ,તા. ૧૩ સપ્ટેમ્બર : ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજરોજ માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓએ ટીમ સાથે રહીને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલી પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકશાની અંગેની જાણકારી આપી હતી. દિલ્હી આવેલી શીર્ષ અધિકારીશ્રીઓની ટીમ કચ્છના માંડવી તાલુકામાં આસંબિયા, કોડાય ગામ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. જ્યારે અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંઝાણ, કોઠારા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાક નુકસાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લઈને નિષ્ણાત વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ ભારે વરસાદની પરિસ્થિતિ પૂર્વે તંત્રની તૈયારીઓ અને ત્યારબાદ પુન:સ્થાપનની કામગીરી અંગે સ્થાનિક અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, અસરગ્રસ્ત ગામોના ખેડૂતો, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ સાથે પણ મુલાકાત કરીને ટીમના સભ્યોએ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. દિલ્હીથી આવેલી ટીમના સભ્યો સર્વે મિલેટ ડેવલ્પમેન્ટના ડાયરેક્ટરશ્રી સુભાષ ચંદ્રા, રૂરલ ડેવલ્પમેન્ટ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રી તિમન સિંઘ, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એક્ઝિક્યુટિવ ઈજનેરશ્રી સૌરવ શિવહરે, રાજ્ય સરકારના લાયઝન ઓફિસર અને ડેપ્યૂટી કલેક્ટરશ્રી વિપુલકુમાર સાકરીયાએ બંને તાલુકાના સ્થાનિક અધિકારીશ્રીઓ પાસેથી નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.આ મુલાકાત માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેરશ્રી પી.પી.વાળા, જિલ્લા બાગાયત અધિકારીશ્રી મનદીપ પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટી, પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.