BHUJGUJARATKUTCH

કચ્છના વણઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દશાર્વતા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા.

ધારાસભ્યો તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી, પીવાના પાણી, ખેડૂતોના પ્રશ્નો, રસ્તા, દબાણ સહિતના પ્રશ્નો ઉપર વહિવટીતંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારીમંત્રી ની તાકીદ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ જાન્યુઆરી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.બેઠકમાં ધારાસભ્યો ના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છમાં તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવીને તમામ પડતર પ્રશ્નો રાજય સરકાર ઉકેલશે તેવી ખાત્રી આપી હતી. આ સાથે તેમણે એક પણ પડતર પ્રશ્નો ન રહે તે નિતી સાથે ગુણવત્તાયુક્ત કામ કરવા અધિકારી ઓને સૂચન કર્યું હતું. કચ્છના નાના-મોટા યાત્રાધામનો વિકાસ કરવાની નેમ વ્યકત કરીને તેમણે કચ્છમાં પાણી, રસ્તા સહિતના પ્રશ્નોની ઉકેલની ખાત્રી આપી હતી. રોડ બન્યા બાદ જ ટોલ ઉઘરાવવાના પ્રશ્ને તેમણે તત્કાલ ઉચ્ચકક્ષાએ વાત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ વિશાળ કચ્છમાં ભૌગોલિક રચના આધારીત અનેક પડકારો તથા સમસ્યાઓ હોવાછતાં સુચારૂ રીતે વહીવટીતંત્ર કામ કરતું હોવાથી કચ્છ ટીમની સરાહના કરતા કચ્છના વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા વધુ ખંત,નિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું. એક પણ વિકાસ કામો પડતરન રહે તે રીતે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું. કચ્છના પ્રભારીમંત્રી તરીકે નિમણૂંક થવા બાદ પ્રથમવાર કચ્છ આવેલા રાજ્યમંત્રી નું ઉષ્માભેર કચ્છના નાગરિકો તથા વહીવટીતંત્ર તરફથી રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ સ્વાગત સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકભભાઇ છાંગાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ પાલારા-શેખપીર બાયપાસ રોડની કામગીરી સંદર્ભ પ્રગતિ, રસ્તાના સમારકામ, રોડના કામ પૂર્ણ થાય તે પહેલા ટોલ ન ઉઘરાવવા, રેલડી ફાટક, ખાવડાથી કાઢવાંઢના રસ્તાના સમારકામ સહિત પ્રશ્ને રજૂઆત કરી જરૂરી સૂચના આપી હતી.ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલે ધરતીકંપ પછી ટી.પી અને ડી.પીના આયોજનને લઇને ઉભા થયેલા પ્રશ્નો, ભુજમાં નવી બનેલી વસાહતોમાં પાણીના પ્રશ્નો, ભીમાસર- ભુજ રોડની નબળી ગુણવત્તા સહિતના મુદે રજૂઆત કરી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ખડીરમાં પાણીનો પ્રશ્ન, શિકારપુર સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં લો-વોલ્ટેજ સમસ્યા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્ય એ વીજપુરવઠો, માતાના મઢમાં દબાણ, જમીન માપણીના પ્રશ્નો, અબડાસા તાલુકાની કંપનીઓમાં રોજગારીનો પ્રશ્ન, દયાપર સરકારી કોલેજનો પ્રશ્ન, નખત્રાણામાં ટાઉનહોલ માટે જમીન ફાળવણી, જાબરી અને તલ-લૈયારી તથા છારી-ફુલાય ડેમનું કાર્ય, જુના હક્કપત્રો, નખત્રાણા બાયપાસ, ગૌચર જમીન, રેવન્યુ રેકર્ડ, આયુષ્યમાન કાર્ડ ધારકોને સારવારને લગતા પ્રશ્ન હેતુફેર થયેલી જમીનો, વિજ વિક્ષેપ થકી પાણી વિતરણમાં થતી સમસ્યા, રોડની સાઇડમાં ખોદકામ કરીને રસ્તાને કરતા નુકશાન સબબ, ખેતીવાડી કનેક્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના સંલગ્ન પ્રશ્નોની રજૂઆત કરી હતી.સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરૂષોત્તમભાઈ મારવાડાએ ડુમરાના બાકી રહેતા ખેડૂતોની માપણી સીટનો પ્રશ્ન, પીપરથી ભુજ એસ.ટીનો બંધ રૂટ, મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય માંડવીમાં ગૃહપતિની નિમણૂંક, ખેડૂતોને ટાંકા, બાંધા, પાળા સહિતના કામ માટે માટીની જરૂરીયાત સંલગ્ન મુદો, કોઠારાના માનપુરામાં પાણી ભરાવવાની સમસ્યા, સાંધાણમાં શાળાના નવા ઓરડા બનાવવા, વાડા પધ્ધરમાં આંગણવાડીની બનાવવા, ગઢવાડા, રેલડીયા મંજલ, ખુઅડા પંચાયતના અધુરા કામનો મુદો વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.કચ્છ કલેક્ટર આનંદ પટેલે પ્રજાના પ્રતિનિધિ ઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારી ઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક અસરથી પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચના આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કલેક્ટર એ દબાણ, વીજ પુરવઠો, રોડના સમારકામ સહિતના પ્રશ્નો મુદે અધિકારી ઓને નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉદેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારી ઓને સૂચના આપી હતી.પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત જે ગ્રામ પંચાયતોમાં પાણી વેરાની વસુલાત 0 % થી 30 % સુધી છે તેવા ગામોમાં ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાનું માળખું સુદ્રઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયતો સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના હેઠળ ૪૨ જેટલી ગ્રામપંચાયતોને કુલ રૂ. ૨૬.૧૦ લાખની પ્રોત્સાહક રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવેલ છે. જે પૈકી 0૭ જેટલી પંચાયતોને આજરોજ પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા તથા સર્વે જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યો નાં હસ્તે પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 100% વેરો વસુલાત કરનાર રાપર તાલુકાની શાણપર, 50 % થી વધુ વેરો વસુલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર તથા નાગોર, ભચાઉ તાલુકાના ઘરાણા, નખત્રાણા તાલુકાની નેત્રા, લખપત તાલુકાની જુનાગિયા, માંડવી તાલુકાની ગુંદિયાળી ગ્રામ પંચાયતો ને પ્રસંશા સહ સન્માનપત્ર આપવામાં આવ્યા.બેઠકના પ્રારંભે આયોજન અધિકારી જે.સી.રાવલ દ્વારા કચ્છની ભૌગોલિક સંરચના તથા કચ્છના વિસ્તારથી પ્રભારીમંત્રી ને અવગત કરાવતા આયોજન સંબંધી વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી તથા આગામી આયોજન સંદર્ભે માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસ.પી  વિકાસ સૂંડા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!