
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૨૨ ડિસેમ્બર : કચ્છ પધારેલા રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક, સ્વૈચ્છિક સમસ્યાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિત ગુજરાતના સૌથી પ્રાચીન કચ્છ મ્યૂઝિયમને નિહાળીને કચ્છી કલા અને લોક સંસ્કૃતિથી અભિભૂત થયા હતાં.ભુજ ખાતે કચ્છ મ્યૂઝિયમમાં રાજ્યમંત્રીશ્રીએ પાષાણયુગના સમયના પથ્થરો, પાચીન લેખનશૈલી, કચ્છ સંબંધિત ફોટોગ્રાફ્સ અને કચ્છના વિવિધ સમુદાયોની જીવનશૈલીનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે કચ્છના વન્યજીવનને દર્શાવતા સુરખાબ પાર્કની વિસ્તૃત માહિતી રાજ્યમંત્રીશ્રીએ લીધી હતી. તેઓએ મેઘવાળ,રબારી, જત, મુતવા સહિતના વિવિધ સમાજના પહેરવેશ અને કચ્છી લોકજીવનની ઝાંખી નિહાળી હતી. આ સાથે જ રાજ્યમંત્રીશ્રીએ પ્રાચીન તામ્રમૂર્તિઓ, મુઘલકાળ અને અંગ્રેજોના સમયના પુરાતત્વીય ચલણી સિક્કાઓ, કચ્છના રાજાઓના સમયના ઓજારો, શસ્ત્રો, તલવાર કટાર, વસ્ત્રો વગેરે વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.આ ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ કચ્છ મ્યૂઝિયમમાં આરી ભરત, રબારી ભરત, બન્ની ભરત જેવા ભરતકામ તેમજ પ્રખ્યાત રોગાન ચિત્રકળા હસ્તકલા કારીગરીનું પ્રદર્શન નિહાળ્યું હતું.આ મુલાકાત દરમિયાન કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટરશ્રી બુલબુલ હિંગલાજિયાએ સંપૂર્ણ વિગતોથી મંત્રીશ્રીને અવગત કર્યા હતા. આ સાથે જ આર્કિયોલોજિસ્ટ શ્રી આદિત્ય સિંહ દ્વારા વિવિધ પથ્થરો, લીપી વગેરે વિશે મંત્રીશ્રીને વિગતે માહિતી આપવામાં આવી હતી.કચ્છ પધારેલા રાજ્યમંત્રીશ્રીનું કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છી શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ યુવા સાંસ્કૃતિક અધિકારી શ્રી દેવાંશીબેન ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર શ્રી ભરત નકુમ આર્કિયોલોજી વિભાગના અધિકારીશ્રીઓ તથા કચ્છ મ્યૂઝિયમના કર્મચારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.આ સાથે જ રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિતએ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. તેઓએ કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. આ તકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યૂલેટર પર વર્ષ ૨૦૦૧માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો. સ્મૃતિવન મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યૂલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મંત્રીશ્રીએ મેળવ્યો હતો.આ મુલાકાત દરમિયાન સ્મૃતિવન મેનેજરશ્રી મનોજ પાંડે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરશ્રી ભરત નકુમ, ટુરીઝમ વિભાગના અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતાં.





